
રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળ, ટીમ ઈન્ડિયાનું મર્યાદિત ઓવરોમાં પ્રદર્શન શાનદાર રહ્યું છે પરંતુ ટીમ ટેસ્ટ ક્રિકેટમાં સંઘર્ષ કરી રહી છે. ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે 0-3થી હાર્યા બાદ, ભારત ઓસ્ટ્રેલિયામાં 1-3થી ટેસ્ટ સિરીઝ હર્યું હતું. આ પછી, ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાંથી પણ બહાર થઈ ગયું. આવી સ્થિતિમાં પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી માને છે કે રોહિત શર્માએ ટીમમાં ફેરફાર કરવાની જવાબદારી લેવી જોઈએ.
પૂર્વ ભારતીય કેપ્ટન ગાંગુલીએ કહ્યું, 'છેલ્લા 4-5 વર્ષમાં ટેસ્ટ ક્રિકેટમાં તેના ફોર્મથી મને આશ્ચર્ય થયું છે. તેણે અત્યાર સુધી જે કર્યું છે તેના કરતા ઘણું સારું કરી શકે છે. તેણે પોતાનો વિચાર બદલવો પડશે, કારણ કે આપણે ઈંગ્લેન્ડ સામે 5 ટેસ્ટ રમવાની છે અને તે પણ એક મુશ્કેલ સિરીઝ બનવાની છે. તે ઓસ્ટ્રેલિયાની જેમ જ મુશ્કેલ હશે. અહીં બોલ સીમ અને સ્વિંગ થશે. ટીમ ઈન્ડિયાને ટેસ્ટ ક્રિકેટમાં તેના પ્રદર્શનની જરૂર છે, પરંતુ મર્યાદિત ઓવરના ક્રિકેટમાં તે અત્યાર સુધીના મહાન ખેલાડીઓમાંનો એક છે.'
પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ રોહિત શર્માને ચેતવણી આપી છે. તેણે કહ્યું કે ટીમ ઈન્ડિયા હાલમાં ટેસ્ટ ક્રિકેટમાં મજબૂત નથી. રોહિતે જવાબદારી લેવાની જરૂર છે. રોહિતે જીતનો મંત્ર શોધવો પડશે.
'રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં પરિવર્તન લાવવાની જવાબદારી લેવી જોઈએ'
તેણે વધુમાં કહ્યું, 'મને આશ્ચર્ય નથી કે તેણે મર્યાદિત ઓવરના ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાને નવી ઊંચાઈઓ પર પહોંચાડી છે. મને ખબર નથી કે તે ટેસ્ટ ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે કે નહીં, પરંતુ જો તે મારી વાત સાંભળી રહ્યો છે, તો તેણે ટેસ્ટ ક્રિકેટમાં ફેરફાર કરવાની જવાબદારી લેવી જોઈએ. ટીમ ઈન્ડિયા હાલમાં ટેસ્ટ ક્રિકેટમાં સારી નથી અને તેને તેના પર ધ્યાન આપવાની જરૂર છે. ઈંગ્લેન્ડ સામે ખૂબ જ મહત્ત્વપૂર્ણ 5 ટેસ્ટની સિરીઝ યોજાવાની છે, તેથી તેને ઈંગ્લેન્ડમાં સારું રમવાનો માર્ગ શોધવો પડશે. રોહિત શર્માએ આ ટીમને આગળ લઈ જવાનો માર્ગ શોધવો પડશે.'
IPL પછી, ટીમ ઈન્ડિયા જૂનમાં 5 મેચની ટેસ્ટ સિરીઝ રમવા માટે ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે. પહેલી ટેસ્ટ 20 જૂનથી રમાશે. પ્રવાસની છેલ્લી ટેસ્ટ 31 જુલાઈથી શરૂ થશે.