
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયા ટૂંક સમયમાં ઈંગ્લેન્ડ પહોંચશે. ભારતની A ટીમ હાલમાં ત્યાં છે. BCCI એ પહેલાથી જ ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરી દીધી હતી, હવે ઈંગ્લેન્ડે સિરીઝની પ્રથમ મેચ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. ટીમની કમાન બેન સ્ટોક્સના હાથમાં જ રહેશે. ટીમમાં કેટલાક મજબૂત ખેલાડીઓને તક આપવામાં આવી છે.
જેમી ઓવરટન લાંબા સમય પછી વાપસી કરશે
ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા પ્રથમ ટેસ્ટ માટે જાહેર કરાયેલી ટીમમાં 14 ખેલાડીઓ છે. ખાસ વાત એ છે કે જેમી ઓવરટન લાંબા સમય પછી વાપસી કરી રહ્યો છે. તેણે તેની છેલ્લી ટેસ્ટ મેચ 2022માં રમી હતી, તે ન્યુઝીલેન્ડ સામે રમ્યો હતો, હવે તે ટીમ ઈન્ડિયા સામે રમતો જોવા મળી શકે છે. જેકબ બેથેલ, ક્રિસ વોક્સ અને બ્રાયડન કાર્સને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. જોકે, ઝિમ્બાબ્વે સામે તાજેતરમાં રમાયેલી ટેસ્ટ મેચમાં આ બધા ખેલાડીઓ ટીમના ભાગ નહતા.
ગસ એટકિન્સન બહાર થયો
એવું માનવામાં આવે છે કે જેમી ઓવરટનને પ્રથમ ટેસ્ટ માટે બોલાવવામાં આવ્યો છે કારણ કે ગસ એટકિન્સન હેમસ્ટ્રિંગના ખેંચાણને કારણે બહાર છે. જોકે ઈંગ્લેન્ડને શરૂઆતમાં વિશ્વાસ હતો કે એટકિન્સન પ્રથમ ટેસ્ટ માટે સમયસર ઈજામાંથી સ્વસ્થ થઈ જશે, પરંતુ તે હજુ સુધી સંપૂર્ણપણે ફિટ નથી. માર્ક વુડ અને ઓલી સ્ટોન ઘૂંટણની ઇજાને કારણે પહેલાથી જ સિરીઝમાંથી બહાર છે, જ્યારે જોફ્રા આર્ચર અંગૂઠાની સમસ્યાને કારણે બીજી ટેસ્ટ સુધી મેચ ફિટ નહીં થાય.
https://twitter.com/cricbuzz/status/1930548771030753692
ભારતીય ટીમ માટે સિરીઝ મહત્ત્વપૂર્ણ છે
આ સિરીઝની પ્રથમ મેચ હેડિંગ્લી ખાતે રમાશે. આ પછી કાફલો એજબેસ્ટન, લોર્ડ્સ અને એમિરેટ્સ ઓલ્ડ ટ્રેફોર્ડ જશે. સિરીઝની પાંચમી અને છેલ્લી મેચ ઓવલ ખાતે છે. આ સિરીઝ ભારત માટે મહત્ત્વપૂર્ણ છે. કારણ કે ટીમ ઈન્ડિયા 2007થી ઇંગ્લેન્ડમાં કોઈ સિરીઝ નથી જીતી શકી.
ઈંગ્લેન્ડની ટીમ
બેન સ્ટોક્સ (કેપ્ટન), જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જેમી સ્મિથ (વિકેટકીપર), શોએબ બશીર, જેકબ બેથેલ, હેરી બ્રુક, બ્રાયડન કાર્સ, સેમ કૂક, જેમી ઓવરટન, જોશ ટંગ, ક્રિસ વોક્સ.
ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર/વાઈસકેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ ઈશ્વરન, કરુણ નાયર, નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશ દીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ.