
શુભમન ગિલની કેપ્ટનશિપમાં ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઈંગ્લેન્ડમાં પ્રેક્ટિસ કરી રહી છે. ભારતીય ટીમ માટે 5 મેચની ટેસ્ટ સિરીઝ પડકારજનક રહેશે, કારણ કે ટીમમાં ઘણા યુવા પ્લેયર્સ છે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિચંદ્રન અશ્વિનની ટેસ્ટમાંથી નિવૃત્તિ બાદ આ ભારતની પ્રથમ સિરીઝ છે. સિરીઝ શરૂ થાય તે પહેલા ઓસ્ટ્રેલિયન દિગ્ગજ મૈથ્યુ હેડને મોટો દાવો કર્યો છે અને જણાવ્યું છે કે કયો ભારતીય બોલર આ પ્રવાસમાં એક્સ ફેક્ટર સાબિત થશે.
એક દાયકાથી પણ વધુ સમય પછી એવું બની રહ્યું છે જ્યારે ભારતીય ટેસ્ટ ટીમમાં રોહિત, વિરાટ કે અશ્વિનમાંથી કોઈપણ નથી. શુભમન ગિલ કેપ્ટન છે અને રિષભ પંત વાઈસ-કેપ્ટન છે. ટીમમાં ઘણા યુવા ખેલાડીઓ છે. ફેન્સ કરુણ નાયરનું પ્રદર્શન જોવા માટે ઉત્સુક છે, જેણે ઘરેલું ક્રિકેટમાં ઉત્તમ પ્રદર્શનના આધારે વર્ષો પછી ટીમમાં સ્થાન મેળવ્યું છે. તે ઈંગ્લેન્ડ સામે ભારત માટે સૌથી મોટી ટેસ્ટ ઈનિંગ (303 રન) રમનાર બેટ્સમેન પણ છે.
આ બોલર એક્સ ફેક્ટર સાબિત થશે
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર મૈથ્યુ હેડને દાવો કર્યો છે કે, કુલદીપ યાદવ ઈંગ્લેન્ડ પ્રવાસ પર એક્સ ફેક્ટર સાબિત થશે. તેણે એમ પણ કહ્યું કે, આ સિરીઝમાં ભારતીય ટીમની પરીક્ષા પણ થશે. તેણે કહ્યું, "અમે પહેલા પણ ચર્ચા કરી હતી કે, કુલદીપ યાદવ જેવું કોઈ ભારત માટે 20 વિકેટ લેનાર મહત્ત્વપૂર્ણ બોલર બની શકે છે."
કુલદીપના ટેસ્ટ પ્રદર્શનની વાત કરીએ તો તે 13 મેચ રમ્યો છે, જેમાં 24 ઈનિંગમાં 56 વિકેટ ઝડપી છે. ઈંગ્લેન્ડ સામે તે આ પેહલા 6 ટેસ્ટ રમી ચૂક્યો છે, જેમાં 11 ઈનિંગમાં તેણે 21 વિકેટ ઝડપી હતી.
ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા
શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વાઈસ-કેપ્ટન/વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ ઈશ્વરન, કરુણ નાયર, નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશ દીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ.
ટેસ્ટ સિરીઝનું શેડ્યૂલ
સિરીઝની પાંચેય મેચ ભારતીય સમય પ્રમાણે બપોરે 3:30 વાગ્યે શરૂ થશે
- 20-24 જૂન (હેડિંગ્લે ક્રિકેટ ગ્રાઉન્ડ)
- 2-6 જુલાઈ (એજબેસ્ટન સ્ટેડિયમ)
- 10-14 જુલાઈ (લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ)
- 23-27 જુલાઈ (ઓલ્ડ ટ્રેફર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ)
- 31 જુલાઈ-4 ઓગસ્ટ (ધ ઓવલ)