
એલોન મસ્કની સેટેલાઇટ-આધારિત ઇન્ટરનેટ સેવા Starlink ને ભારતમાં જરૂરી લાઇસન્સ મળ્યું ગયું છે. એલોન મસ્કની કંપની છેલ્લા ઘણા વર્ષોથી ભારતમાં તેની સર્વિસ શરૂ કરવા માંગતી હતી. રોઇટર્સના જણાવ્યા મુજબ Starlink ને ભારતીય ટેલિકોમ મંત્રાલય તરફથી એક મહત્વપૂર્ણ લાઇસન્સ મળ્યું છે. હવે કંપની ઝડપથી તેની સર્વિસ ભારતમાં શરૂ કરી શકશે. સ્ટારલિંક ભારતના ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા લાઇસન્સ મેળવનારી ત્રીજી કંપની છે. અગાઉ, વનવેબ અને રિલાયન્સ જિયોને પણ સેટેલાઇટ સેવા શરૂ કરવા માટે લાઇસન્સ આપવામાં આવ્યું છે.
જ્યોતિરાદિત્ય સિંધિયાએ શું કહ્યું?
સ્ટારલિંક વિશે વાત કરતાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે, 'સ્ટારલિંકની સેટેલાઇટ સર્વિસ ટેલિકોમ્યુનિકેશનના ગુલદસ્તામાં એક નવા ફૂલ જેવી છે. પહેલા ફક્ત ફિક્સ્ડ લાઇનો હતી અને તેને મેન્યુઅલી રોટેટ કરવામાં આવતી હતી. આજે આપણી પાસે બ્રોડબેન્ડ કનેક્ટિવિટીની સાથે મોબાઇલ કનેક્ટિવિટી પણ ઉપલબ્ધ છે.'
'ઓપ્ટિકલ ફાઇબર કનેક્ટિવિટી પણ સ્થાપિત કરી દેવામાં આવી છે. સેટેલાઇટ કનેક્ટિવિટી ખૂબ જ મહત્વની છે. કારણ કે દૂર દૂર સુધી કેબલ નેટવર્કિંગ કે ટાવરો ઊભા કરવા સહિતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગોઠવી ના શકાય. આવી જગ્યાએ કનેક્ટિવિટી ફક્ત સેટેલાઇટ દ્વારા જ સુધારી શકાય છે.
જણાવી દઈએ કે વર્ષ 2022માં Starlink દ્વારા ભારતમાં પ્રવેશવાની તક શોધી રહી હતી. તેના લાઇસન્સ માટે પણ અરજીઓ કરવામાં આવી હતી. આખરે સ્ટારલિંકને ટેલિકોમ સેક્ટરનું લાઈસન્સ મેળવવામાં સફળતા મળી છે. જણાવી દઈએ કે એમેઝોનની કુઇપર પણ ભારતમાં આવવાની રાહ જોઈ રહી છે.
સ્ટારલિંક શું છે?
સ્ટારલિંક એલોન મસ્કની કંપની સ્પેસએક્સની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા છે. જે લો અર્થ ઓર્બિટ (LEO) સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવા પૂરી પાડે છે. જેની મદદથી હાઈસ્પીડ ઈન્ટરનેટ સર્વિસ અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચી શકે છે. ઘણાં સમયથી ચર્ચા ચાલતી હતી કે, સ્ટારલિંકની સર્વિસ ભારતમાં શરૂ કરવામાં આવશે.
સ્ટારલિંકના 500થી 550 કિલોમીટરની ઊંચાઈએ ઘણા નાના ઉપગ્રહો દ્વારા કામ કરે છે. કંપનીએ વર્ષ 2021 માં ભારતમાં પ્રી-બુકિંગ શરૂ કર્યું હતું. જોકે, ભારત સરકાર તરફથી જરૂરી લાઇસન્સ ન મળતા તે સમયે પ્રી-બુકિંગ બંધ કરવું પડ્યું હતું.
જિયો અને એરટેલ સાથે સીધી હરિફાઈ
ભારતમાં આ કંપની રિલાયન્સ જિયો અને ભારતી એરટેલના વનવેબ સાથે સીધી સ્પર્ધા કરશે. જોકે તાજેતરમાં સ્ટારલિંકે આ બંને કંપનીઓ સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. ભાગીદારીની આ જાહેરાત સ્ટારલિંકના કિટ અને હાર્ડવેર વિતરણ બાબતે છે. જણાવી દઈએ કે, સ્ટારલિંક ઘણા દેશોમાં સર્વિસ પૂરી પાડે છે. પરંતુ ભારતમાં હજુ તેની સર્વિસ શરૂ થવામાં થોડો સમય લાગશે.