ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે સુરત જિલ્લાએ એકવાર ફરીથી શૈક્ષણિક મેદાનમાં પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું છે. સુરત જિલ્લાનું કુલ પરિણામ 93.97 ટકા નોંધાયું છે, જે રાજ્યના ટોચના જિલ્લાઓમાં સુરતને સ્થાન આપે છે. ત્યારે સુરતમાં સામાન્ય પરિવારમાંથી આવતાં વિદ્યાર્થીઓએ પરિશ્રમને જ પારસમણી બનાવીને સફળતા પ્રાપ્ત કરી છે. એ-1 ગ્રેડ મેળવીને પરિવારનું તથા શાળાઓનું નામ રોશન કરનારા વિદ્યાર્થીઓને આગામી સમયમાં આઈએએસથી લઈને એમબીએ બનવાના સપનાં હોવાની સાથે સાયન્સ સ્ટ્રીના વિદ્યાર્થીઓને ડોક્ટર અને એન્જિનિયર બનવાના સપના હોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

