
આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સના અત્યાધુનિય યુગમાં પણ અંધશ્રદ્ધા યથાવત જોવા મળી રહી છે. વલસાડના પારડીના પલસાણા ગામમાં 22 વર્ષીય યુવતીના મૃતદેહને અંતિમક્રિયા માટે સ્મશાનમાં લઈ જવાયો હતો. ત્યારે ચિતા પર મુકેલી યુવતીના શરીર પર ડામ અપાયેલા નિશાન મળતાં ગ્રામજનો ચોંકી ઉઠયા હતાં. આવેશમાં આવેલા સાથી કર્મીઓએ ભુવા (જમાઈ)ને બે તમાચા મારતાં તે સ્મશાન છોડી ભાગી છૂટયો હતો.
ડામ આપ્યાનું સામે આવ્યું
પારડીના પલસાણા ગામમાંઅર્જુનભાઇ હળપતિને પાંચ દીકરી છે. જેમાં બેના લગ્ન થઈ ચૂક્યા છે અને ત્રીજા નંબરનીદિવ્યા નામની દીકરી દમણની કંપનીમાં કામ કરતી હતી. પરંતુ થોડા મહિનાથી કોઇક કારણોસર તે કંપનીમાં જતી નહોતી. તેને લગ્ન કરવા માતા-પિતાએ છોકરો શોધવા કહ્યું હતું. 12 એપ્રિલે દિવ્યાને ખેંચ આવતા ઇજા થવાથી તે વાપીની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ હતી. સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જે બાદ પલસાણા ગામના સ્મશાન ગૃહમાં મૃતક યુવતીની અંતિમક્રિયા માટે ગ્રામજનો, સંબંધીઓ અને મિત્રો એકત્ર થયા હતા. આ દરમિયાનચિતા પર રખાયેલા યુવતીના મૃતદેહના શરીર પર ડામ અપાયેલા નિશાન જોવા મળતા ગ્રામજનો ચોંકી ઉઠયા હતાં. માથા, પગ અને પેટ પર થયેલી ઈજાઓ જોઈ ત્યાં હાજર સૌના હૃદય કંપી ઉઠયા હતાં.
તપાસ હાથ ધરાઈ
યુવાનોએ સ્મશાનમાં ભુવા(જમાઈ)ને માર મારતા તે સ્થળ પરથી નાસી ગયો હતો.ગ્રામજનોએ આ કેસમાં મૃતક દીકરીને ન્યાય મળે તે માટે પોલીસને જાણ કરતાં પારડી પોલીસે તપાસ શરૂ કરી છે. ભુવા(જમાઈ)ની પોલીસે પૂછપરછ કરી નિવેદનો લીધા હોવાની માહિતી મળી રહી છે. પરંતુ પરિવાર અને પારડી પોલીસ આઘટના મામલે હજુ સુધી કશું કહેવા તૈયાર નથી. પીએમ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.