Couple builds Taj Mahal in Madhya Pradesh: વિશ્વભરમાં મોટાભાગના લોકો તાજમહેલને પ્રેમની પ્રતીક માને છે, પરંતુ કેટલાક લોકો એવા પણ છે કે, તેને સમ્રાટનો દેખાવો માને છે. મધ્યપ્રદેશના બુરહાનપુરનું એક વૃદ્ધ દંપતી એવા લોકોમાંથી એક છે, જે તાજમહેલને સમ્રાટના પ્રેમનું પ્રતીક માને છે. આ દંપતીએ પોતાના પ્રેમને સદીઓ સુધી જીવંત રાખવા માટે પોતાનો 'તાજમહેલ' બનાવી દીધો છે. આ દંપતીનો તેમના તાજમહેલ જેવા ઘરનો એક વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં લોકો આ દંપતીની ખૂબ પ્રશંસા પણ કરી રહ્યા છે.
હુબહુ અસલી જેવો દેખાય છે
વાયરલ વીડિયો મધ્યપ્રદેશના બુરહાનપુર ગામનો છે. અહીં રહેતા આનંદ પ્રકાશ ચોક્સી અને તેમની પત્ની અંજલીએ આ ઘર બનાવ્યું છે. અહીં એક સ્કૂલની અંદર આરસપહાણથી બનેલું 4BHKનું ઘર છે. આ ઘર તાજમહેલની નાની પ્રતિકૃતિ સ્વરુપે બનાવવામાં આવ્યું છે. ઇન્સ્ટાગ્રામ અને અન્ય કેટલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહેલો આ વીડિયો પ્રિયમ સારસ્વત નામના યુઝરે પોસ્ટ કર્યો છે.
વાયરલ પોસ્ટમાં સારસ્વત દંપતીને પૂછવામાં આવ્યું કે શું તાજમહેલ જેવું દેખાતું ઘર ખરેખર તમારુ છે, તેના જવાબમાં દંપતીએ કહ્યું કે, હા, આ ઘર અમારુ છે, જે તાજમહેલની નાની પ્રતિકૃતિ સ્વરુપે તૈયાર કરવામાં આવ્યું છે. આ દરમિયાન તેઓ પ્રિયમ સારસ્વતને તાજમહેલ જેવા દેખાતા તેમના ઘર વિશે વાત કરે છે.
કેવી રીતે બનાવ્યો આ 'તાજમહેલ'
બુરહાનપુર દંપતીએ તાજમહેલ જેવા દેખાતા ઘર વિશે વાત કરતાં જણાવ્યું કે, આ મકરાણા આરસપહાણ માર્બલમાંથી બનાવવામાં આવ્યું છે. આ ઘરમાં તાજમહેલના મીટર માપને ફુટમાં બદલી નાખવામાં આવ્યું છે. આ ઘર તાજમહેલ કરતા ત્રણ ગણું નાનું છે. પ્રેમના પ્રતીક તરીકે બનેલું આ ઘર પહેલેથી બનેલી શાળાની અંદર માર્બલના ગુંબજ, કોતરેલા થાંભલા અને કમાનવાળા દરવાજા સાથે બનાવવામાં આવ્યું છે. આ વાયરલ વીડિયોની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે.