
તેલંગાણાની રાજધાની હૈદરાબાદના શમશાબાદ ખાતે રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટી વિમાન દુર્ઘટના થતાં ટળી ગઈ. આજે (20 જૂન) એર ઈન્ડિયાનું એક વિમાન હૈદરાબાદથી મુંબઈ જઈ રહ્યું હતું. ત્યારે વિમાનમાં ટેક્નિકલ ખામી સામે આવી અને પાયલટે વિમાનને ટેકઓફ પહેલા જ રનવે પર રોકી દીધું.
પાયલટે સમયસૂચકતાથી કાર્યવાહી કરતા સંભાવિત ખતરો ટળી ગયો અને તમામ મુસાફર સુરક્ષિત છે. એર ઈન્ડિયાની ટીમે તુરંત મુસાફરો માટે બીજા વિમાનની વ્યવસ્થા કરી અને મુસાફરોને મુંબઈ મોકલ્યા.
અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટના
12 જૂન, 2025ના રોજ અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું AI-171 વિમાન ક્રેશ થયું હતું. પ્રારંભિક અહેવાલો અનુસાર, વિમાનના બંને એન્જિન ફેલ થઇ ગયા અને વિમાન નજીકમાં આવેલી બીજે મેડિકલ કોલેજની ઇમારત સાથે અથડાયું. આ અકસ્માતમાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા. આ સાથે, જ્યાં વિમાન ક્રેશ થયું હતું ત્યાંના બીજે મેડિકલ કોલેજના 22 લોકો પણ આ અકસ્માતનો ભોગ બન્યા.
મૃતદેહોની ઓળખ માટે ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ (DNA) પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં, અકસ્માતમાં માર્યા ગયેલા 231 મૃતદેહોની ઓળખ DNA નમૂનાઓ દ્વારા કરવામાં આવી છે અને 210 મૃતદેહોને સંબંધીઓને સોંપવામાં આવ્યા છે.
આ વિમાન દુર્ઘટનામાં ફક્ત બ્રિટિશ નાગરિક વિશ્વાશકુમાર રમેશ જ બચી શક્યા. રમેશનો જીવ બચી શક્યો તે અવિશ્વસનીય છે. કારણ કે વિમાનમાં સવાર 241 અન્ય લોકો મૃત્યુ પામ્યા હતા અને તે એકમાત્ર મુસાફર બચ્યો હતો.
તમને જણાવી દઈએ કે ગુરુવારે એર ઈન્ડિયાએ કહ્યું હતું કે તે 21 જૂનથી 15 જુલાઈ વચ્ચે દર અઠવાડિયે 38 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ઘટાડશે અને ત્રણ વિદેશી રૂટ પર સેવાઓ સ્થગિત કરશે.