
Tapi News : ગુજરાતના તાપીમાં આદિવાસીઓને ધર્માંતરણ કરવામાં આવતું હોવાને લઈને વિવાદ ઊભો થયો છે. થોડા સમય પહેલા કથાકાર મોરારી બાપુએ તાપીમાં શાળામાં 75 ટકા શિક્ષકો ઈસાઈ છે અને સરકારનો પગાર લઈને ધર્મ પરિવર્તન કરવામાં આવતું હોવાનું જણાવ્યું હતું. આ મામલે રાજ્યના ગૃહમંત્રીએ પણ પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે, 'ભોળા આદિવાસીઓને ફસાવીને ધર્મ પરિવર્તન કરાવનારાને છોડવામાં નહી આવે અને તેમના વિરૂદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.' સમગ્ર મામલે તાપી કલેક્ટરે જિલ્લા શિક્ષણ અધિકારીને લઈને પરિપત્ર જાહેર કર્યો છે.
તાપી કલેક્ટરનો જિલ્લા શિક્ષણ અધિકારીને લઈને પરિપત્ર
તાપી જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ પ્રાથમિક શિક્ષણ અધિકારીના નેજા હેઠળની તમામ સ્કૂલમાં ચોક્કસ ધર્મ આધારિત પ્રાર્થના કે ઉપદેશ ન આપવા મામલે જિલ્લના કલેક્ટરે પરિપત્ર જાહેર કર્યો છે. આ સાથે જિલ્લા કલેક્ટરના પરિપત્રમાં જણાવાયું છે કે, તમામ શાળાઓમાં ધર્મ પ્રચાર અર્થે ધાર્મિક પુસ્તકોના વાંચન, સ્તુતિ કે જ્ઞાનનો ઉપદેશ આપવા જેવી પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ દ્વારા ન કરવાને લઈને સૂચના આપવામાં આવી છે. જ્યારે શિક્ષકો દ્વારા આ પ્રકારનું કાર્ય ન કરવાને લઈને કોઈ ઉલ્લેખ ન હોવાથી પરિપત્ર મામલે સવાલો ઊભા થયા છે.
VHP સંગઠનના મંત્રીએ જણાવ્યું હતું કે, 'ધર્મ પરિવર્તનને લઈને અમે અનેક વખત કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. તમામ શિક્ષકો એવા નથી, પરંતુ હિન્દુ ધર્મ છોડીને વિદેશી ધર્મ અંગીકાર કરનારા લોકો ધર્માંતરણની પ્રવૃત્તિ કરે છે.'
તાપીના સોનગઢમાં રામકથા વખતે મોરારી બાપુએ એક શિક્ષક દ્વારા આપવામાં આવલો પત્ર શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાને આપ્યો હતો. તેમજ મોરારી બાપુએ જણાવ્યું હતું કે, 'તાપીની 75 ટકા શાળામાં ઈસાઈ ધર્મના શિક્ષકો છે, જેઓ સરકારનો પગાર મેળવે છે અને ધર્મ પરિવર્તન કરાવે છે.'