
કાળઝાળ ગરમીમાં હાલ નદીઓના નીર સૂકાઈ રહ્યાં છે. ત્યારે લોકમાતા નદીઓને પુનઃજીવિત કરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. સોનગઢના ઝરાલી ગામે મંગળવારે સવારે સૂકી પડેલી મીંઢોળા નદીમાં તાપી નદીના નીર આવતાં સ્થાનિક લોકોએ આ તાપી નદીના નીરના વધામણાં લીધાં હતાં.
દોણ થઈને પાણી આવ્યું
થોડા સમયથી તાપી નદીમાંથી પાણી લાવીને સોનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સૂકા પડેલાં તળાવો અને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. આ કડીમાં ઝરાલી ગામ પાસેથી વહેતી મીંઢોળા નદીમાં તાપી નદીનું પાણી પહોંચ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત હીરાવાડી ગામના પ્રવીણ ભાઈ ગામીતે કહ્યું કે દોણ ગામેથી થઈ આ પાણી અહીં મીંઢોળા નદી સુધી આવ્યું છે અને હીરાવાડી ગામના બે ત્રણ ચેકડેમો ભરાઈ જતાં આ પાણી ઝરાલી સુધી પહોંચ્યું હતું.
પાણીની તકલીફમાંથી રાહત મળશે
આ પાણી થકી ખાસ કરીને ઉનાળાના સમયમાં પશુઓને પીવાના પાણીની પડતી તકલીફમાં ઘણી રાહત મળશે. અત્રે નોંધનીય છે કે ગત થોડા દિવસ પહેલા અહીં ઝરાલી ગામે શિવલિંગ પણ મળી આવ્યું હોવાની ચર્ચા છે જેથી લોકો અહીં દર્શન કરવા માટે પણ આવી રહ્યાં છે.