
ગુજરાતમાં 26થી 28 જૂન, 2026 દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ-2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સરકારી પ્રાથમિક, માધ્યમિક, અનુદાનિત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, જ્ઞાનશક્તિ અને રક્ષાશક્તિ રેસિડેન્સિયલ શાળાઓમાં યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય કક્ષાની બ્રિફિંગ બેઠકમાં વિકસિત ગુજરાત માટે શિક્ષણના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો.
13,114 બાળકોને પ્રવેશ અપાશે
શિક્ષણ મંત્રી અને વિભાગના ઉચ્ચ અધિકારીઓએ વિવિધ યોજનાઓ અને ભાવિ આયોજનની રૂપરેખા રજૂ કરી હતી.તાપી જિલ્લામાં 797 શાળાઓમાં 67,871 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. નવા શૈક્ષણિક સત્રમાં બાલવાટિકામાં 8,546, ધોરણ 1માં 1,054 અને ધોરણ 9માં 12,060 વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે. જિલ્લામાં 64 રૂટ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં 13,114 બાળકોને પ્રવેશ આપવામાં આવશે.
ડ્રોપ આઉટ ઘટાડવા AIનો સહારો
આ વર્ષે માધ્યમિક શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે વિશેષ ધ્યાન આપવામાં આવશે. શિક્ષણ વિભાગે AI આધારિત અર્લી વોર્નિંગ સિસ્ટમ દાખલ કરી છે. આ સિસ્ટમ શાળા છોડવાની શક્યતા ધરાવતા વિદ્યાર્થીઓની ઓળખ કરશે અને આચાર્યોને સૂચિત કરશે, જેથી સમયસર પગલાં લઈ શકાય.ગાંધીનગરથી વર્ચ્યુઅલી યોજાયેલી આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી, પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી સહિત વિવિધ કચેરીના અધિકારીઓ અને તાલુકા કક્ષાના કર્મચારીઓ જોડાયા હતા.