
એ કાર્યક્રમમાં હાજર રહેલી એક્સો કિશોરીઓમાંથી એકને પણ માસિક સ્રાવ વિશે પરિવારની કોઈ મહિલાએ સમજ આપી ન હતી અને એ કાર્યક્રમ ભારતના કોઇ ગામમાં નહીં, મહાનગર મુંબઇમાં યોજાયો હતો.
કાર્યક્રમની પહેલાં જ વિદ્યાથનીઓ પાસેથી મળેલા પ્રશ્નોના જવાબ ડૉક્ટરોએ આપ્યા હતા.
- કિશોરાવસ્થામાં પ્રથમ સ્તનના ભાગમાં વૃદ્ધિ થાય છે પછી શરીરના ગુપ્ત ભાગોમાં વાળ આવે છે અને છેલ્લે માસિક સ્રાવ શરૂ થાય છે.
- માસિક શરૂઆતમાં એક-દોઢ વર્ષ સુધી અનિયમિત હોય છે. તેની શરૂઆત થવામાં સોળમા વર્ષ સુધી મોડું થઇ શકે છે. તેનાથી વધુ મોડું થાય તો ડૉક્ટરની સલાહ લેવી જોઇએ.
- માસિક સ્રાવ એક વખત શરૂ થયું હોય અને પછી અનિયમિત રહેવાને બદલે સીધું બંધ જ થઇ જાય તો તેની પાછળ કોઇ કારણ હોઇ શકે છે. આથી ડૉક્ટરનું માર્ગદર્શન લઇ લેવું જોઇએ.
- સ્તનનો વિકાસ બન્ને બાજુએ ઓછો-વધતો હોઇ શકે છે.
- માસિક સ્રાવ ચોવીસ દિવસ બાદ અથવા પાંત્રીસ દિવસ બાદ શરૂ થઇ શકે છે. આદર્શ રીતે જોઇએ તો ૨૮ દિવસે માસિક આવે છે.
- જે સ્થળે લોહીની હાજરી હોય ત્યાં ઇન્ફેક્શન થવાનું જોખમ વધી જતું હોવાથી માસિક સમયે શારીરિક સ્વચ્છતાનું ખાસ ઘ્યાન રાખવું જોઇએ.
- કૌમાર્યપટલ કૂદકો મારવામાં કે રમતગમત વખતે ગમે ત્યારે તૂટી જઈ શકે છે. આમ, કૌમાર્યપટલને કૌમાર્ય અકબંધ રહેવા સાથે કોઇ સંબંધ નથી.
- સવારે ઊઠીએ ત્યારે નાક અને કપાળની ત્વચા તૈલી દેખાય તો એવી ત્વચાને તૈલી ગણી શકાય.
- કપાળ અને નાની ત્વચા તૈલી તથા હડપચી અને ગાલની ત્વચા સૂકી હોય તો તેને મિશ્ર પ્રકારની ત્વચાં કહી શકાય.
- કિશોરાવસ્થામાં શરીરમાં વધુ પ્રમાણમાં હોર્મોનનું નિર્માણ થવાથી ત્વચા તૈલી બને છે.
- કિશોરાવસ્થામાં મોઢા પર કડક જાડા અને રૃંવાટી કરતાં કાળા વાળ આવે તો ડૉક્ટરની સલાહ લઈને જરૂરી ઉપચાર કરાવી શકાય છે.
- તંદુરસ્ત અને સુંદર ત્વચા કેવી હોય તેની કોઇ ચોક્કસ વ્યાખ્યા નથી.
- આપણી ત્વચા એટલી ગંદી થતી નથી કે ઔષધયુક્ત સાબુ વગર ચાલે નહીં.
- ગમે તેટલી જડબુટ્ટી નાખ્યા પછી સાબુ તો કેમિકલ જ રહેવાનો. આથી સાબુની છેતરામણી જાહેરાતોથી ભરમાવું જોઇએ નહીં.
- હર્બલ એટલે કે જડીબુટ્ટી ધરાવતા સાબુ અને ક્રીમમાં જડીબુટ્ટી હોય તો પણ તે રસાયણની સાથે ભેગી કરવામાં આવતી હોવાથી તેને હર્બલ પદાર્થ ન કહી શકાય.
- જન્મ સમયે જે ત્વચા હોય તેનાથી ગોરી ત્વચા થવાની કોઇ શક્યતા હોતી નથી. આથી ત્વચાને ગોરી બનાવવાના દાવાથી ભરમાઇ જવું જોઇએ નહીં.
- કોઇ પણ સાબુ ત્વચા પર એક મિનિટ કરતાં વધુ સમય રાખવામાં આવતો નથી. આથી સાબુમાંના પદાર્થો ત્વચાને ફાયદો કરશે એવી વાત માનવાને કોઇ કારણ નથી?
- કેટલીક વાર જલદ રસાયણોથી ત્વચાને નુક્સાન પણ થઇ શકે છે.
- શેમ્પૂ વીથ કન્ડિશનર એ પણ નરી છેતરામણી છે. શેમ્પૂનું કામ વાળને સાફ કરવાનું અને કન્ડિશનરનું કામ વાળની જાળવણી કરવાનું હોય છે. શેમ્પૂથી વાળ સાફ થઇ ગયા પછી કોઇ વસ્તુ તેના પર કેવી રીતે ચોંટીને રહી શકે!
- તેલ એ કન્ડિશનરનું કામ કરે છે, પરંતુ માત્ર વાળ પર ચોપડવાને બદલે માથામાં તેનું માલિશ કરવું જોઇને.
- ખોડો સૂકો હોય તો તેમાં એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂ ઉપયોગી થાય. ખોડો તૈલી હોય તો તે ત્વચાની બીમારીનું લક્ષણ હોવાથી ડૉક્ટર પાસે જવું જોઇએ.
- ખીલ એ તો યુવાવસ્થાની નિશાની છે. તેને દુશ્મન ગણીને ફોડવામાં આવે તો તેમાં વધારો થવાનું જોખમ હોય છે.
ખીલ એક-બે જ હોય તો કંઈ ઇલાજ કરવાની જરૂર નથી. દિવસમાં થોઇ શોડા સમયે સાબુથી ધો ધોઈ લેવું જોઈએ. ખીલ દુ:ખતા હોય અથવા તેમાં રસી હોય તો પણ ડૉક્ટર પાસે જવું.
- તૈલી ખોરાકને લીધે ખીલ થતા હોવાની માન્યતા ખોટી છે.
- કિશોરાવસ્થામાં હોર્મોનને કારણે માસિક આવતાં પહેલાં ડિપ્રેશન, એકલતા વગેરે માનિસક તકલીફો અનુભવાય છે. રોજિંદા જીવનમાં આ તકલીફો અવરોધરૂપ બને તો ડૉક્ટરની સલાહ લેવી જોઇએ.
- માતાપિતાએ કિશોર વયના છોકરા-છોકરીઓને એ ઉમરે આવતા ફેરફારોની માહિતી આપવી જોઇએ.
- હોર્મોનમાં થતા ફેરફારને કારણે કિશોરાવસ્થામાં વધુ કૅલરી ધરાવતા ખાદ્યપદાર્થો ખાવાની ઇચ્છા થાય.
- કિશોરાવસ્થામાં કોઇ પણ એક વ્યક્તિની પાછળ વધુ પડતા ઘેલા થવું એ અયોગ્ય છે.
- કિશોરાવસ્થામાં માતાપિતા કરતાં મિત્રો વધુ મહત્ત્વના થઇ જાય છે, પરંતુ માતાપિતા સાથે મોકળા મને વાતચીત કરવાથી ઘણી સમસ્યાઓનો અંત આવી શકે છે.
- મને કોઈ પૂછતું જ નથી. હું બીજા કરતાં પાછળ છું, બીજા પાસે અમુક વસ્તુ છે અને મારી પાસે નથી, એ બધી વૃત્તિ કિશોરાવસ્થામાં સાહજિક છે તેથી ચિંતા કરવાની જરૂર નથી.
કિશોરાવસ્થામાં પ્રારંભિક આકર્ષણ માત્ર શારીરિક હોય છે. ઉંમર વધતાં તેમાં ફેરફાર આવે છે.