
કેરળના તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બ્રિટિશ રૉયલ નેવીના F-35B ફાઈટર જેટનું 14 જૂને ઈમરજન્સી લેન્ડિંગ થયુ હતું. 19 દિવસ બાદ પણ આ વિમાનની ટેક્નિકલ ખામી દૂર થઈ શકી નથી. સૂત્રો પાસેથી જાણકારી મળી છે કે, ફાઈટર જેટનું સમારકામ શક્ય ન હોવાથી તેના ટુકડાં ટુકડાં કરી કાર્ગો વિમાન મારફત બ્રિટન પરત લઈ જવામાં આવશે.
આ ફાઈટર જેટનું સમારકામ કરવાનો છેલ્લા 19 દિવસથી પ્રયાસ થઈ રહ્યો હતો. તેમ છતાં 5th જનરેશનનું સ્ટીલ્થ ફાઈટર જેટ એન્જિનિયરિંગ ખામીના કારણે ઉડાન ભરવા સક્ષમ નથી. વિમાનને ફરીથી ઉડાન ભરવા માટે તૈયાર કરવાના તમામ પ્રયાસો અત્યારસુધી નિષ્ફળ રહ્યા છે. જેથી વિમાનના ટુકડાં કરી તેને પરત વતન લઈ જવા મજબૂર બન્યા છે.
F-35B ફાઈટર જેટનું સમારકામ કરવા યુકેની એન્જિનિયરિંગ ટીમ કેરળ આવવાની હતી. પરંતુ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, સમારકામ માટે 30 એન્જિનિયરનું એક ગ્રૂપ તિરુવનંતપુરમ પહોંચવાનો આશાવાદ હતો. પરંતુ હજી સુધી આ ટીમ આવી નથી.
ફાઈટર જેટની ફરી ઉડાન ભરવા માટે કોઈ આશાનું કિરણ ન જણાતાં બ્રિટિશ અધિકારીઓ હવે વિમાનને પાછું લાવવા માટે વૈકલ્પિક યોજનાઓ પર કામ કરી રહ્યા છે. લશ્કરી પરિવહનના દૃષ્ટિકોણથી વિમાનને પાછું લઈ જવા માટે વિમાનને આંશિક રીતે તોડી પાડવાનો શ્રેષ્ઠ વિકલ્પ ઉભરી આવ્યો છે. અહેવાલો અનુસાર, બ્રિટન ફાઇટર જેટને C-17 ગ્લોબમાસ્ટર વિમાનમાં પાછું લઈ જવાનું વિચારી રહ્યું છે, વિમાનના ભાગોને તોડી પાડવા અને ગ્લોબમાસ્ટર દ્વારા સુરક્ષિત રીતે પાછા લઈ જવાની તૈયારી ચાલી રહી છે.