નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટીથી દેવલિયા ચોકડી વચ્ચેના રોડ ઉપર નેશનલ હાઇવે 56 વિભાગ દ્વારા ત્રણ વર્ષથી બનાવવામાં આવેલા ટોકનાકા શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. નેશનલ હાઈવે 56 વિભાગના અધિકારીઓએ નવો રોડ બન્યો ત્યારે ટોકનાકા બનાવ્યાં હતા. નેશનલ હાઈવે 56માં કોઈપણ જગ્યાએ ટોલ ઉઘરાવવાની પરમિશનના હોવા છતાંય અધિકારીઓએ સરકારના લાખો રૂપિયાના ખર્ચે ટોલનાકા બનાવ્યા છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, આ ટોલનાકા જોખમી છે, કારણ કે પૂરપાટ દોડતા વાહનો ટોલનાકું અચાનક આવી જતા અચાનક બ્રેક મારવી પડે છે. જેના કારણે અકસ્માતો સર્જાય છે. ટોલનાકું બંધ હોવાના કારણે અમુક વાહન ચાલકો કલાકને કલાક આરામ કરવા માટે ટોલનાકા નીચે વાહન મૂકીને ઊંઘી જાય છે. જેના કારણે પણ અકસ્માત થાય છે. સ્થાનિક લોકો આ ટોલનાકું તોડી નાખવું જોઈએ તેવી માંગ કરી રહ્યાં છે. બિનઉપયોગી ટોલનાકું બનાવી ને અધિકારીઓએ સરકારના નિયમોનો ભંગ કર્યો છે.