
- અમેરિકાની અસ્મિતા જાળવવા નીકળેલ ડોનાલ્ડ ટ્રમ્પનાં તીખા તેવર તેમના જ દેશ માટે બૂમરેંગ પુરવાર થઈ શકે છે.
- ભારતમાં આઈફોનનું ઉત્પાદન વધારવા ફોક્સકોને તમિલનાડુના ચેન્નાઈ નજીક આવેલ તેમના પ્લાન્ટમાં ૧.૪૯ અબજ ડોલરનું રોકાણ પણ જાહેર કર્યું છે ત્યાં જ ટ્રમ્પે એપલની સામે લાલ આંખ કરી છે
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તૂંડમિજાજથી વિશ્વના દેશો જ નહીં અમેરિકાનું કોર્પોરેટ જગત, ત્યાં વસતા કાયદેસરના બીનઅમેરિકન,વૈશ્વિક વિદ્યાર્થીઓ,ટેકનોક્રેટસ અને શૈક્ષણિક આલમ પણ હેરાન થઈ ગયુ છે.ટેરિફ
વોરનો તરખાટ ગાંડપણનું સ્વરૂપ લઈ ચૂક્યો છે. જો કે કોઈની સલાહ વગર લીધેલા આપખુદી નિર્ણયો અમેરિકાને જ ડુબાડશે તેમ ભાન થતાં ટ્રમ્પ કોઈપણ ક્ષોભ કે શરમ વીના વિશ્વના અર્થતંત્રમાં અને શેર બજારમાં તારાજી સર્જીને જાણે કંઇ બન્યું ન હોય તેમ તેમના જ નિર્ણયનું બાળ મરણ થતું હોય તેમ પરત લે છે કે પછી નાછૂટકે ખાસ્સી રાહત જાહેર કરે છે.
ટ્રમ્પનું અજ્ઞાાન એ હદનું પુરવાર થયું કે તેમને એવો ભ્રમ હતો કે અમેરિકા એવો સુપર પાવર દેશ છે કે વિશ્વ આખું તેની રહેમ હેઠળ જીવે છે.આવા ઘમંડ સાથે જ તેમણે વિશ્વના દેશો પર ટેરિફનો ચાબુક વીંઝયો પણ તે પછી ભાન થયું કે અમેરિકા પણ ઠપ્પ થઈ જાય તે હદે અન્ય દેશોની પ્રોડક્ટ્સ અને સેવાઓ પર આધાર રાખે છે અને જંગી ડોલર્સની આયાત કરે છે.આ બધા દેશોએ પણ અમેરિકા પર વળતી ટેરિફ ઝીંકી એટલે શાન ઠેકાણે આવી અને ટેરિફ પર કાપ મૂકવો પડયો. આમ છતાં 'વટના માર્યા ગાજર ખાવા પડે' તે કહેવત અનુસાર ભાઈ હજુ પણ ટેરિફ બોમ્બ લઈને જ ફરે છે.
ટ્રમ્પનો ટેરિફ બોમ્બ
હજુ થોડા દિવસો પહેલા ટ્રમ્પે અમેરિકામાં વસતા બીનઅમેરિકીઓ તેમના દેશમાં જે રકમ મોકલે તેના પર પાંચ ટકા ટેક્સ લગાવી દીધો. કોઈ આવી વ્યક્તિ ઉદાહરણ તરીકે ભારતમાં ૧૦૦૦૦ ડોલર જેટલી રકમ તેમના વડીલો કે મિત્રને કે પછી ભારતમાં રોકાણ માટે મોકલે તો પાંચ ટકા પ્રમાણે ૫૦૦ ડોલર અમેરિકા રેમિટન્સ ટેક્સ કાપી નાંખે. ટ્રમ્પના આ મનસ્વી નિર્ણયની ચોતરફથી તેમના જ સાંસદો દ્વારા ટીકા થઈ અને ગણતરીના દિવસોમાં જ આ ટેક્સ પાંચની જગ્યાએ સાડા ત્રણ ટકા કરી નાંખવો પડયો છે.
ઘણા વિશ્લેષકો એવું કહે છે કે ટ્રમ્પ સોદાબાજની જેમ જાણી જોઈને કોઈએ વિચાર્યું જ નહોતું ત્યાં પહેલા ઊંચા ટેક્સ કે ટેરિફ જાહેર કરે છે અને પછી 'મારું પણ નહીં અને તમારું પણ નહીં' તેમ સંકેત આપીને થોડી રાહત આપે છે. આપણું ધ્યાન અને સંતોષ જે ડિસ્કાઉન્ટ મળ્યું તેના પર રહે છે.
ભલે પાંચની જગ્યાએ સાડા ત્રણ ટકા ટેક્સ થયો અને આપણે દોઢ ટકાનું કન્શેસન મળ્યું તેમ ખુશ થયા પણ ખરેખર તો કોઈ ટેક્સ હતો જ નહીં અને આ સાડા ત્રણ ટકા ટેક્સ ઘુસી ગયો તેનું શું?
ટ્રમ્પ આવી જ તરકીબ ટેરીફમાં બેક ફૂટ જઈને વાપરે છે.
હાર્દ પર જ પ્રહાર
ટેરિફ વોર અને એપલને ધમકી તો સમજ્યા પણ હાર્વર્ડ યુનિવર્સિટી પર પણ ટ્ર્રમ્પે કોરડો વીંઝયો છે.અમેરિકા જે રીતે ઇમિગ્રન્ટ્સથી બનેલો દેશ છે તે જ રીતે વિશ્વભરના વિધાર્થીઓનું તે હબ રહ્યું છે. આ બે પાસાઓ જ અમેરિકાનું હાર્દ છે.અમેરિકા સુપર પાવર પણ આવી મુકતતાને લીધે બન્યું છે.હા, શસ્ત્રોનો વેપાર પણ અમેરિકાની સમૃદ્ધિનું મહત્વનું કારણ ખરું. શસ્ત્રોનું વેચાણ થતું રહે એટલે જ તો વિશ્વમાં કોઈને કોઈ જગ્યાએ યુદ્ધ, સંઘર્ષ, વર્ગવિગ્રહ,આંતરવિગ્રહ જારી જ રહે છે.જો વિશ્વ સહિયારા સંપનો સંકલ્પ કરે તો અમેરિકા, યુરોપ અને ચીન જેવા દેશોની તિજોરી અડધી થઈ જાય.
પણ ટ્રમ્પ 'અમેરિકા ફર્સ્ટ'ના ઝૂનુન હેઠળ જે ડાળ પર બેઠા છે તે જ કાપી રહ્યા હોય તેવું અત્યારે તો લાગે છે.
ટ્રમ્પને કદાચ એમ છે કે અમેરિકા વગર કોઈને નહીં ચાલે પણ હકીકત એ છે કે ધીમે પગલે પણ હવે નવી પેઢી આમ પણ એવું માનતી થઈ છે કે જો અમેરિકા આ રાહ પર જ ચાલવાનું હશે તો અમારે જ ત્યાં સ્થાયી થવાની ઈચ્છા નથી.અત્યારે જ ત્યાં વસતા અન્ય દેશના નાગરિકો દેશ જવું કે અમેરિકામાં રહેવું તે અવઢવ તો અનુભવવા માંડયા જ છે.
વધતો જતો મોહભંગ
જો અમેરિકા ત્યાં અભ્યાસ કરતા વિધાર્થીઓ, મૂળ વિદેશી ટેકનોક્રેટસને જાકારો આપતી આવી નીતિ જારી રાખશે તો વિશ્વનો અમેરિકા માટેનો મોહભંગ હવે દૂર નથી.
આમ પણ છાશવારે બીનઅમેરિકીઓ પર દ્વેષને લીધે તેઓની દુકાનમાં ગોળી મારીને હત્યા થાય તેવા કિસ્સા વધતા જાય છે. ઇર્ષાળુ વિદ્યાર્થીઓ બીનઅમેરિકી વિદ્યાર્થીઓનું રહસ્યમય મોત નીપજાવે છે તેવી ઘટનાઓ પણ વધતી જાય છે. બીન અમેરિકી બાળકો અને વિધાર્થીઓના રંગ અને પછાતતા આગળ ધરીને તેઓનું 'બુલીઇંગ' - માનહાની સાથે વર્ગ ખંડમાં અન્ય વિધાર્થીઓ વચ્ચે ઠઠ્ઠા મશ્કરી હવે રૂટિન બનતું જાય છે.
ટ્રમ્પ અમેરિકામાં નાગરિકોના માનસમાં એવી હવા ઊભી કરે છે બીનઅમેરિકીઓ, અશ્વેતો અને અન્ય ધર્મીઓ અમેરિકાની અને તમારી પ્રગતિમાં બાધારૂપ છે.
અમેરિકા, બ્રિટન સહિત યુરોપ અને કેનેડામાં ઇમિગ્રન્ટ્સની વધતી સંખ્યા ચોક્કસ એક પ્રશ્ન છે પણ તેનું ફિલ્ટરિંગ કરવાની જગ્યાએ આ દેશો સૂકા ભેગું લીલું પણ બાળી નાંખે છે. વળી જે ઉપદ્રવી કે બોજરૂપ હોય તેવા તો નાગરિકત્વ કે ગ્રીન કાર્ડ મેળવી ચૂક્યા છે.
મજબૂત ડોલર જ તાકાત
અમેરિકા,યુરોપ અને યુ.એ.ઇ. માટે વિદેશી લેબર અને નોકરિયાતોને આકર્ષણ તરીકે અગાઉ ગુણવત્તાસભર જીવનથી માંડી કમાણી જેવા ઘણા કારણો હતા હવે માત્ર વિદેશના ચલણી નાણાં સામે તેમના દેશનું નાણું ઘણું ઘસાયેલું છે તે જે વળતર મળે છે તે જ છે.જેમ કે એક ડોલરના ૮૪ રૂપિયા તેવી જ રીતે પાઉન્ડ,યુરો અને દિરહામ ઘણા મજબૂત છે.
ટ્રમ્પ એટલે કે અમેરિકા આવી જોહુકમી કરી શકે છે તેનું સૌથી મોટું કારણ એ છે કે ભારત અને ચીન વચ્ચે તિરાડ છે. જો આ બંને દેશો વચ્ચે વ્યાપારિક સુમેળ હોત તો અમેરિકાને ભારે પડી જાય.
ટ્રમ્પ અંદરખાનેથી ભારતની પ્રતિભાથી ડરે છે.તેને એમ લાગે છે કે જો અમેરિકાની કંપનીઓ ભારત શિફ્ટ થતી જશે અને ભારતના ટેકનોક્રેટસ અમેરિકામાં સરસાઇ જારી રાખશે તો ભારત ચીનની જેમ એક ફોર્સ તરીકે બહાર આવી શકે તેમ છે.
ભારત 'મેક ઇન ઈન્ડિયા' થકી આત્મનિર્ભરતા કેળવશે તો અમેરિકાને અઘરું પડશે. યુરોપના દેશો ખખડી ગયા છે ત્યારે ભારત દેશ ઇમર્જિંગ તાકાત તરીકે ઊભરી રહ્યો છે.
ઇન્ડિયન ફોરેન સર્વિસ સાથે કાર્યરત એવા દીપક વોહરાની વીડિયો ક્લિપિંગમાં ભારતની યુવા અને જ્ઞાાન સંપદા તાકાતનો એક જ લાઇનમાં પરિચય કરાવતા તેમણે કહ્યું છે કે 'અમેરિકાની વસ્તી ૩૪ કરોડ છે ભારતમાં વિધાર્થીઓની સંખ્યા ૩૪ કરોડ છે.'
ભારતમાં સ્ટાર્ટ અપની ઈકો સિસ્ટમ હજુ પરિવર્તન માંગે છે પણ યુવા પેઢી વિદેશ ગયા વગર ભારતમાં તેના સાહસનું સ્વપ્ન તો સેવી જ શકે છે. ભારતમાં ટેલેન્ટ છે તે વિશ્વ જાણે છે એટલે રોકાણ પણ મળી રહેવાની શક્યતા વધી છે.અવકાશ ક્ષેત્ર અને માનવ ઉપયોગી પરમાણુ સંશોધનો માટે પણ ભારતમાં ખાનગી કંપનીઓને માટે દ્વાર ખુલ્યા છે.
અમેરિકા અને ચીન ભારતને માટે વિઘ્નો આપીને સતત તેની પ્રતિભા બહાર લાવવા આડકતરું યોગદાન આપે છે.
'એપલ'ની અગ્નિપરીક્ષા
આથી જ માની લો કે એપલ કંપની ટ્રમ્પના દબાણ વશ ભારતમાં આઈ ફોનનું ઉત્પાદન કરે તો ભારત કરતા એપલને નુકશાન વધુ થાય. ભારતને તો તેના પોતાના એસેમ્બલી ઓર્ડર મળતા થયા છે.
ટ્રમ્પને કદાચ ગ્રાઉન્ડ રિયાલિટીની જ ખબર ન હોય તેમ લાગે છે. અમેરિકામાં એપલ આઈફોનનું ઉત્પાદન કરવા માટે સંમતિ બતાવે તો પણ ફોન માટે એસેમ્બલી કરતા કુશળ કારીગરી કે લેબર ત્યાં ક્યાંથી મળે?
અમેરિકાના યુવાઓને ડિગ્રી નથી લેવી. ડિગ્રી લીધી હોય તો તનતોડ મહેનત નથી કરવી. તેઓને કમ્યુટર કે એ.આઇ. એન્જિનિયર તરીકે તગડા પગાર સાથે જોબ મળી શકે તેમ છે તો પણ તેઓ તે શાખામાં અભ્યાસ કરવા નથી પ્રેરાતા. આ જ કારણે તો અમેરિકાની યુનિવર્સિટીઓમાં વિદેશી વિદ્યાર્થીઓની બહુમતી છે. ટેકનોક્રેટસ પણ બીનઅમેરિકી જ મહત્તમ છે.જો વિધાર્થીઓને માસ્ટર ડિગ્રી પણ મેળવવી નથી તો આવી સ્થિતિ વચ્ચે નવ કલાક નીચી મૂંડીએ બેસીને એપલ જેવી કંપની માટે કામ કરનાર લેબર અમેરિકામાંથી મળે ખરું?
બીજું, એપલને અમેરિકામાં ચીન, ભારત, જાપાન અને વિયેતનામમાં છે તેવી સપ્લાય ચેઇન અને ઉત્પાદન કેન્દ્ર ઉભુ કરવું હોય તો તે માટે વિશાળ સેટ અપ ખડું કરવું પડે જે માટે એકાદ વર્ષ સહેજે નીકળી જાય. એપલને તેમના ફોનનું ઉત્પાદન મૂળ તાઇવાનની પણ ચીનમાં સપ્લાય ચેઇન માટેની ગજબની નગરી ઊભી કરનાર ફોક્સકોન કંપની કરી આપે છે. ભારતમાં તમિલનાડુના ચેન્નાઈ નજીક ફોક્સકોને એપલનાં આઇફોનની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે તેમના પ્લાન્ટનું વિસ્તરણ કરવા તેની ભારતીય કંપની યુઝાન ટેક્નોલોજીસમાં ૧.૪૯ અબજ ડોલરના રોકાણની જાહેરાત લંડનના સ્ટોક એક્સચેન્જમાં હજુ થોડા દિવસો પહેલા જ કરી છે.
ટ્રમ્પે સાઉદી અરેબિયા અને કતારના પ્રવાસ દરમિયાન કહ્યું હતું કે 'મેં એપલનાં ટીમ કૂકને કહ્યું છે કે ભારત તેની સંભાળ ખુદ લઈ શકે તેવો દેશ છે. તમારે ભારતમાં આઇફોન નું ઉત્પાદન નથી કરવાનું. અમેરિકામાં તમે માંગો તે અનુકૂળતા તમને કરી આપીશું.'
ભારતની તૈયારીનું શું?
ટ્રમ્પના આવા નિવેદનને ટકોર માત્ર સમજીને ટીમ કૂકે કહ્યું કે 'અમે કંપનીની ત્રીમાસિક મિટિંગમાં ઠરાવ પસાર કરી ચૂક્યા છીએ કે ચીનની જગ્યાએ ભારતમાં વર્ષે છ કરોડ ફોનનું ઉત્પાદન થાય તે માટેનું સેટ અપ ગોઠવવા ભણી આગળ વધી ચૂક્યા છીએ.'
એનો અર્થ એમ કે ટ્રમ્પની વાત સ્વીકારવી શક્ય નથી. આથી ટ્રમ્પનો અહમ વધુ ઘવાતો હોય તેમ તેણે હવે એપલને જો તેઓ ભારત કે અન્ય દેશોમાં ઉત્પાદન કરશે તો ૨૫ ટકા ટેરિફ લગાવીશું તેવી ખુલ્લી ધમકી જ આપી છે.
એપલ હવે શું કરે છે તેના પર દુનિયાની નજર છે. ચીન, વિયેતનામ અને ભારતમાં તો સસ્તું લેબર છે તેના લીધે ફોનની વર્તમાન કિંમત જળવાઈ રહી છે પણ અમેરિકામાં માની લો કે લેબર મળે તો પણ કલાકના લઘુતમ ૧૮ જેટલા ડોલર આપવા પડે. ભારત કે ચીનની ઝડપે અને તે ભાવે ઉત્પાદન પણ ન થાય. જો એપલ આઇફોનનું ઉત્પાદન અમેરિકામાં થાય તો અમેરિકાના ગ્રાહકને જ ફોનની કિંમત ૩૦થી ૪૦ ટકા વધુ ચૂકવવી પડે અને આ ફોનની અન્ય દેશો આયાત કરે એટલે તેઓની ટેરિફનો બોજ આયાતકાર દેશના ગ્રાહક પર લાગે તે જુદો.
જોઈએ ટ્રમ્પ અમેરિકા અને વિશ્વને કયા મોડ પર લઈ આવે છે'