અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફવોરની ભારતીય શેરમાર્કેટ પર મોટી અસર પડી છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવના અંદાજ મુજબ ભારતના એવા ક્ષેત્રોમાં ખરાબ અસર જોવા મળશે જે સંપૂર્ણ રીતે નિકાસ પર નિર્ભર છે. આ ક્ષેત્રોમાં 7.6 અબજ ડોલરનો મોટો ઘટાડો નોંધાશે. નિકાસમાં આવો મોટો ઘટાડો થાય તો તેની ભારતીય અર્થતંત્ર પર પણ ઊંડી અસર પડશે. આવી પરિસ્થિતિમાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે ટેરિફ અંગે વાટાઘાટો કરવી જરૂરી છે. નિષ્ણાંતોના મતે ભારતના કેટલાક ક્ષેત્રોને ટેરિફ વોરથી મર્યાદિત લાભ મળશે, પરંતુ એકંદરે તેની ભારતના અર્થતંત્ર પર નકારાત્મક અસર વધુ જોવા મળશે. નવા ટેરિફ નિયમોને લીધે મોટાભાગના ઉત્પાદનોની નિકાસ ઘટતા અર્થતંત્રને ભારે નુકસાન થશે.

