
યુએઈ દ્વારા 23 લાખમાં ભારતીયોને કાયમી વસવાટનો વિકલ્પ આપતાં ગોલ્ડન વિઝાનો રિપોર્ટ ખોટો ઠર્યો છે. આઈડેન્ટિટી, સિટીઝનશીપ, કસ્ટમ્સ એન્ડ પોર્ટ સિક્યોરિટી (ICP) માટેની ફેડરલ ઓથોરિટીએ પ્રેસ કોન્ફરન્સ યોજી આ અહેવાલને અફવા તેમજ ગેરમાર્ગે દોરનારો ગણાવ્યો છે.
23 લાખમાં ગોલ્ડન વિઝાના સમાચાર તદ્દન ખોટા
23 લાખ રૂપિયામાં ગોલ્ડન વિઝા મળવાના સમાચાર તદ્દન ખોટા હોવાનું ઈમિગ્રેશન વકીલે જણાવ્યું છે. અજમેરા લૉ ગ્રૂપના ઈમિગ્રેશન એટર્ની પ્રશાંત અજમેરાએ જણાવ્યું હતું કે, આ સમાચાર તદ્દન ખોટા છે. ભારતીયો સાથે છેતરપિંડી કરવાના ભાગરૂપે આ અફવા ફેલવવામાં આવી છે. અમુક કંપનીઓ ભારતીયોને ટાર્ગેટ કરી રહ્યા છે. કારણકે, મોટાભાગના ભારતીયો વિદેશ સ્થાયી થવા માગે છે. ગોલ્ડન વિઝા માટે અન્યો પાસે યુએઈ કરોડો રૂપિયાનું રોકાણ કરાવે છે, તો તે સાવ નજીવી રૂ. 23 લાખની રકમમાં કેવી રીતે કાયમી વસવાટની મંજૂરી આપી શકે?
શું હતી અફવા?
રેયાદ ગ્રૂપ તરીકે ઓળખાતી કન્સલ્ટન્સીએ પ્રેસ રીલિઝ જાહેર કરી દાવો કર્યો હતો કે, યુએઈના નોમિનેશન આધારિત ગોલ્ડન વિઝા માટે અરજદારોએ હવે પ્રોપર્ટીમાં કરોડો રૂપિયામાં રોકાણ કરવાની જરૂર પડશે નહીં. માન્ય અરજદારને માત્ર 23.3 લાખમાં (AED 100000) કાયમી વસવાટ માટે મંજૂરી મેળવી શકશે. આ રીલિઝ વિઝા પ્રોસેસિંગ કંપની VFS ગ્લોબલના નામે સર્ક્યુલેટ કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, પાયલટ પ્રોજેક્ટમાં ભારત અને બાંગ્લાદેશને સામેલ કરવામાં આવ્યું છે, બાદમાં ચીન અને અન્ય CEPA દેશોને સામેલ કરવામાં આવશે.
વિદેશીઓ માટે કોઈ સિટીઝનશીપ ઓફર નહીં
સ્પષ્ટતા કરવામાં આવી છે કે, યુએઈ દ્વારા વિદેશીઓ માટે તેના ઈમિગ્રેશન પ્રોગ્રામ હેઠળ સિટીઝનશીપ માટે હાલ કોઈ ઓફર રજૂ કરવામાં આવી નથી. સત્તાવાર સરકારની વિગતો હંમેશા ચકાસવી જોઈએ. યુએઈ સરકારે પણ આ પ્રકારના અહેવાલને અફવા ગણાવી છે. આઠ જુલાઈના રોજ આઈસીપીએ ગોલ્ડન વિઝાની 23 લાખની સિટિઝનશીપ ઓફરનો દાવો ફગાવ્યો હતો. કોઈ આંતરિક કે બાહ્ય માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી નથી. ગોલ્ડન રેસિડન્સની કેટેગરીઝ, તેની શરતો અને નિયંત્રણો યુએઈના કાયદાઓ, લેજિસ્લેશન અને સત્તાવાર મંત્રીઓના નિર્ણયોને આધિન છે. યુએઈ ગોલ્ડન વિઝા માટે અરજી કરવા માગતાં લોકો ICPની સત્તાવાર વેબસાઈટ તથા સ્માર્ટ એપ્લિકેશનનો સંપર્ક સાધી શકે છે.