
બોટાદના AAPના ધારાસભ્ય ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી પ્રવૃતિ કરવા બદલ પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીત્યા બાદ ગુજરાત AAPમાં ડખાં ઉભા થયા છે. ગુજરાત AAPના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ ભાજપ પર ગંદી રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. ઇસુદાન ગઢવીએ કહ્યું કે વિસાવદરના પરિણામો બાદ ભાજપ બૌખલાઇ ગઇ છે. ગોપાલ ઇટાલિયાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.
ઇસુદાન-ગોપાલ ઇટાલિયાની ઉમેશ મકવાણાને ચેલેન્જ
ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાએ ઉમેશ મકવાણાને ચેલેન્જ આપતા કહ્યું કે, તમે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપો અને ફરીથી ચૂંટણી જીતી બતાવો. બોટાદની જનતા બધું જાણી ગઈ છે અને ભ્રષ્ટાચારની ફરિયાદો આવતા ઉમેશ મકવાણાને વારંવાર ચેતવ્યા હતા.ઉમેશ મકવાણા વિરુદ્ધના લેટર મળ્યા છે. આમ આદમી પાર્ટી ક્યારેય પણ ભ્રષ્ટાચારને સાંખી નહીં લે.અમે વારંવાર કોશિશ કરી હતી અને એમને સમજાવ્યા હતા કે તમે આ રીતની પ્રવૃત્તિમાં ના પડો. ભાજપે આ તમામ વસ્તુઓનો ઉપયોગ કરીને આમ આદમી પાર્ટીને ડેમેજ કરવાનો પ્રયાસ કર્યો છે.
ઉમેશ મકવાણા 5 વર્ષ માટે AAPમાંથી સસ્પેન્ડ
બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પત્રકાર પરિષદ યોજીને AAPના દંડક અને જોઇન્ટ સેક્રેટરી પદેથી રાજીનામું આપી દીધુ હતું. તે બાદ આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિ માટે 5 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે.ઉમેશ મકવાણાએ ધારાસભ્ય તરીકે રાજીનામું આપવાની વાત પર કહ્યું કે, બોટાદની જનતાને પૂછીને નક્કી કરીશ કે રાજીનામું આપવું કે ના આપવું. મહત્ત્વપૂર્ણ છે કે ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીમાં સામેલ થયા પહેલા 20 વર્ષ સુધી ભાજપ માટે કામ કરતા હતા.