IPLમાં લાંબા છગ્ગા ફટકારવાની પ્રથાને ધ્યાનમાં રાખીને, મેદાન પરના અમ્પાયરે પરંપરા તોડીને, બેટ્સમેનના બેટની સાઈઝની રેન્ડમ તપાસ શરૂ કરી દીધી છે. બેટ ચેકિંગનો હેતુ બેટ્સમેનોને અન્યાયી ફાયદો મેળવવાથી રોકવાનો છે. બેટ ચેકિંગ એક જાણીતી પ્રક્રિયા છે, પરંતુ ગઈ સીઝન સુધી તે ફક્ત ડ્રેસિંગ રૂમની અંદર જ મર્યાદિત હતી, પરંતુ IPLમાં બેટ્સમેન દ્વારા રમવામાં આવતા લાંબા અને મોટા સ્ટ્રોકને ધ્યાનમાં રાખીને, BCCI એ વધુ સતર્ક રહેવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત, બોર્ડે ફિલ્ડ અમ્પાયરને લાઈવ મેચ દરમિયાન બેટ્સમેનોના બેટ તપાસવાનો અધિકાર આપ્યો છે. જો મેચ દરમિયાન અમ્પાયરને લાગે કે બેટ્સમેનનું બેટ નિર્ધારિત કદ કરતાં વધુ જાડું છે, તો તેઓ મેચની વચ્ચે જ તેનું બેટ ચેક કરી શકે છે.

