
Israel Iran War: ઈરાનના 3 પરમાણુ સ્થળો પર અમેરિકાના હુમલામાં તેહરાનના પરમાણુ સ્થળોને ભારે નુકસાન થયું છે. ઈરાને પોતે હવે આ વાત સ્વીકારી છે. એપીના અહેવાલ મુજબ, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બગાઈએ બુધવારે આ બાબતે પુષ્ટિ કરી હતી કે, અમેરિકાએ કરેલા હુમલામાં દેશના પરમાણુ સ્થળોને ગંભીર નુકસાન થયું છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા બગાઈએ હુમલાઓની વધુ વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ સ્વીકાર્યું હતું કે, રવિવારે યુએસ બી-2 બોમ્બર્સ દ્વારા છોડવામાં આવેલા બંકર-બસ્ટર બોમ્બ હુમલા પ્રભાવશાળી હતા. જેનાથી "અમારા પરમાણુ સ્થળોને ગંભીર નુકસાન થયું તેમાં કોઈ શંકા નથી.
અમેરિકાએ કેમ કર્યો હુમલો?
રવિવારે અમેરિકાએ ઈરાનના ત્રણ મુખ્ય પરમાણુ કેન્દ્રો પર હુમલો કર્યો. આમાં નતાંજ, ફોર્ડો અને ઇસ્ફહાનનો સમાવેશ થાય છે. આ હુમલાઓનો ઉદ્દેશ્ય ઈરાનની પરમાણુ સંવર્ધન ક્ષમતાઓને નષ્ટ કરવાનો હતો. આ હુમલાની ગંભીરતા આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA) ના અહેવાલો અને સેટેલાઇટ ડેટા પરથી જાણવા મળી હતી. પરંતુ ઈરાન અત્યાર સુધી એ વાત નકારતું રહ્યું કે અમેરિકાના હુમલાથી પરમાણુ મથકોને નુકસાન થયું છે. હવે ઈરાને પોતે સ્વીકાર્યું છે કે અમેરિકાના હુમલામાં તેના પરમાણુ મથકોને નુકસાન થયું છે.
અમેરિકાએ આ પરમાણુ કેન્દ્રો પર હુમલો કર્યો
નતાંજ પરમાણુ સુવિધા
આ ઈરાનનું મુખ્ય યુરેનિયમ સંવર્ધન કેન્દ્ર હતું, જેને અમેરિકાના હુમલાથી મોટો ઝટકો લાગ્યો છે. આ પરમાણુ મથક ઈરાનના મધ્ય ઉચ્ચપ્રદેશમાં તેહરાનથી 220 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં સ્થિત છે. અહીં ભૂગર્ભ માળખામાં સેંકડો સેન્ટ્રીફ્યુજ કૈસ્કેડ કાર્યરત હતા. જે 60% સુધી યુરેનિયમ સંવર્ધન કરી શકતા હતા. જે શસ્ત્ર-ગ્રેડ સ્તરથી થોડું નીચે છે.
ફોર્ડો પરમાણુ સેન્ટર
તેહરાનથી લગભગ 100 કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં સ્થિત છે. ફોર્ડો ઈરાનનું એક નાનું પણ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ પરમાણુ સેન્ટર છે. 2007 માં શરૂ થયેલી આ સાઈટ વિશે ઈરાને 2009માં IAEA ને માહિતી આપી હતી. જ્યારે તેની ઓળખ અમેરિકન અને પશ્ચિમી ગુપ્તચર એજન્સીઓ દ્વારા કરવામાં આવી હતી. આ સ્થળ પર્વતની નીચે સ્થિત આવેલ છે. ખાસ કરીને તેને હવાઈ હુમલાઓથી બચાવવા માટે બનાવવામાં આવ્યું છે. અમેરિકાએ GBU-57A/B 'મેસિવ ઓર્ડનન્સ પેનિટ્રેટર' બોમ્બનો ઉપયોગ કરીને આ બેઝનો નાશ કરવાનો દાવો કર્યો હતો. આ યુએસ બોમ્બનું વજન લગભગ 30,000 પાઉન્ડ છે અને તે ઘણા મીટર ઊંડે સુધી જઈને વિસ્ફોટ કરવાની તાકાત ધરાવે છે. તેને B-2 સ્પિરિટ સ્ટીલ્થ બોમ્બર દ્વારા પરમાણુ સ્થળ પર ફેંકવામાં આવ્યો હતો.
ઇસ્ફહાન પરમાણુ સેન્ટર
ઇસ્ફહાન પરમાણુ કેન્દ્ર તેહરાનથી 350 કિલોમીટર દક્ષિણપૂર્વમાં સ્થિત છે. ઈરાનના પરમાણુ કાર્યક્રમમાં આ મહત્ત્વનું વૈજ્ઞાનિક સંશોધન કેન્દ્ર પણ છે. હજારો વૈજ્ઞાનિકો અહીં કાર્યરત છે. અહીં ત્રણ ચીની સંશોધન રિએક્ટર, એક યુરેનિયમ કન્વર્ઝન પ્લાન્ટ (UCF) અને ઘણી લેબ શામેલ છે. ઇઝરાયલ દ્વારા યુરેનિયમ રૂપાંતર સુવિધાને ટાર્ગેટ કરીને આ સ્થળે હુમલો કરાયો હતો. અમેરિકાએ પણ B-2 બોમ્બરથી આ પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો કર્યો હતો.