આજકાલ યુવાનોને સોશિયલ મીડિયા માટે રિલ્સ બનાવવાનું ભારે ઘેલું લાગેલું છે. રિલ્સ બનાવવાના ચક્કરમાં યુવાનો નીતનવા પ્રયોગો કરતા રહેતા હોય છે. ઘણીવાર રિલ્સના ચક્કરમાં યુવાનો પોતાનો જીવ પણ ગુમાવી દેતા હોય છે. એવામાં વડોદરામાં પણ એક યુવકને રિલ બનાવવી ભારે પડી હતી. વડોદરા પોલીસે આ મામલે કાર્યવાહી કરી હતી.
મળતી માહિતી પ્રમાણે, થોડાં સમય પહેલા એક યુવકે એસીપીની ગાડી સામે રીલ બનાવી હતી જે મામલે તેની અટકાયત કરવામાં આવી છે. એસીપીની ગાડી પાસે રીલ બનાવી તેને વાયરલ કરનાર સાહિલ ખારવા આખરે ઝડપાયો હતો. રાવપુરા પોલીસે આ મામલે આરોપી સાહિલ ખારવાની અટકાયત કરી છે. પહેલાં રોલા મારતી રીલ બનાવી અને બાદમાં કાન પકડી માફી માંગી હતી. પોલીસની ગાડી સામે રીલ બનાવવા બદલ યુવકે પોતાની ભુલ સ્વીકારી હતી. છ મહિના પહેલાં રીલ બનાવી હોવાનું ખારવાએ કબુલ્યું હતું.