દક્ષિણ ગુજરાતના વાપી રેલવે સ્ટેશન પર એક ગંભીર ઘટના સામે આવી છે. જ્યાં વલસાડ જવા ઈચ્છતા કેટલાક યાત્રીઓ ભૂલથી ફાસ્ટ ટ્રેનમાં ચડી ગયા હતાં. જે વલસાડ સ્ટેશન પર થોભવાની નહોતી. ટ્રેન નીકળી ગયા બાદ મુસાફરોને જ્યારે ખબર પડી કે ટ્રેન વલસાડ ઊભી નહી રહે, ત્યારે તેઓ ગભરાઈ ગયા અને ચાલતી ટ્રેનમાંથી જોખમી રીતે કૂદી પડ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મિડીયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. જે રેલવે તંત્ર અંગે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે.
ચાલુ ટ્રેને કુદી ગયા
વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ટ્રેન ઝડપમાં છે અને યાત્રીઓ પ્લેટફોર્મ પર ઉતરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક મુસાફરો હાંફી ને પડી ગયા તો કેટલાકે પગરખાં ખોઈ નાખ્યા હતાં. આવું જોખમી પગલું માત્ર ભયજનક જ નથી પરંતુ જીવલેણ પણ સાબિત થઈ શકે છે. પ્રાથમિક માહિતી મુજબ મુસાફરોને એવું લાગ્યું હતું કે, ટ્રેન વલસાડ ઊભી રહેશે. જોકે ટ્રેનની જાહેરાત અથવા પ્લેટફોર્મ પર કોઈ સ્પષ્ટ સૂચના ન હોવાને કારણે તેઓ આ ખોટી ટ્રેનમાં ચડી ગયા. ટ્રેનના ગેટ બંધ થઈ ગયા બાદ તેમને ખ્યાલ આવ્યો કે તેઓ ખોટી ટ્રેનમાં છે. પરિણામે કેટલાક યાત્રીઓએ પોતાનું જીવ જોખમમાં મૂકી ચલતી ટ્રેનમાંથી કૂદવાનું નક્કી કર્યું હતું.
બેદરકારીનો નમૂનો
સ્થાનિક યાત્રીઓ અને હાજર રહેલા અન્ય લોકોને આ દ્રશ્ય જોઈને ધબકારા ચૂકી ગયાં હતાં. તેઓએ રેલવે વિભાગ સામે તાત્કાલિક કાર્યવાહી અને જવાબદારી નિર્ધારણની માંગ ઉઠાવી છે. આ ઘટના પછી રેલવે વિભાગ સામે ગંભીર પ્રશ્ન ઊભા થયા છે. મુસાફરોની સલામતી માટે જવાબદાર રેલવે મંત્રાલયે શું પગલાં લીધાં છે? પ્લેટફોર્મ પર સ્પષ્ટ સૂચનાઓ અને મદદ માટે સ્ટાફ કેમ હાજર ન હતો? આવી બેદરકારીના પરિણામે મોટી દુર્ઘટના ઘટી શકતી હતી.