
વાસ્તુશાસ્ત્ર સાથે વરસોથી જોડી દેવાયેલી ખોટી માન્યતા પ્રાચીન ગ્રંથોના ખોટા અર્થઘટનનું પરિણામ છે. એને કારણે સામાન્ય લોકોના મગજમાં ઘણો બધો ગૂંચવાડો (કન્ફ્યુઝન) ઊભો થયો છે. વાસ્તુ વિશેની ગેરમાન્યતામાં યંત્રોના ઉપયોગથી લઈને મકાનના અગ્ર ભાગની દિશા સુધીની બાબતોનો સમાવેશ છે. કહેવાતા વિદ્વાન તરજુમાકારો અથવા પંડિતો ગ્રંથોમાં જેમનો ઉલ્લેખ છે એવા ઘણાં તથ્યોની ખોટી રજુઆત કરી છે. પોતાના વાસ્તુ વિશેના અજ્ઞાન અથવા તો અંગત લાભોથી દોરાઈને તેમણે આવું કર્યું છે. આજે કોઈ સુસંગત કે ખાતરી કરાવે એવી આપણે કોઈ એવી ખોટી માન્યતાની ચર્ચા કરીશું :
૧. વાસ્તુને વિજ્ઞાન સાથે કોઈ લેવાદેવા નથી
આ સૌથી મોટું ગપ્પુ છે. હકીકતમાં વાસ્તુશાસ્ત્ર આપણાં ઋષિ-મુનિઓએ હજારો વરસ પહેલા વિકસાવેલું એક પ્રાચીન ભારતીય વિજ્ઞાન છે. એ બાંધકામની સાઇટને અસર કરતી બાબતોને ગણતરીમાં લે છે. એ ભારતીય સ્થાપત્ય (આર્કિટેક્ચર)નો એક મહત્ત્વનો ભાગ છે અને ન મૂળ ફિલસૂફી, ગણિતશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર, ભૂગોળ અને ધર્મમાં રહેલા છે. બાંધકામનો સ્થળ (સાઇટ) પર પ્રભાવ પડતી બાબતોમાં ટોપોગ્રાફી, રોડ્સ, આસપાસના સ્ટ્રક્ચર્સ, સૂર્યની અસરો, પૃથ્વીના મેગ્નેટિક ફિલ્ડ, દિશાઓ અને પ્રકૃતિના પાંચ તત્ત્વોનો સમાવેશ થાય છે.
૨. ઈશાન દિશાનું એન્ટ્રન્સ બેસ્ટ ગણાય
નોર્થ-ઇસ્ટ (ઈશાન) લગભગ તમામ વાસ્તુશાસ્ત્રીઓની ફેવરિટ દિશા છે એમ કહીએ તો એમાં અતિશયોક્તિ નથી. તેઓ એકમતે મકાનનું એન્ટ્રન્સ (પ્રવેશદ્વાર) અહીં રાખવાની ભલામણ કરે છે. પૂર્વોત્તર દિશામાં દૈવી ઊર્જાની શક્તિશાળી હાજરી હોય છે એમાં બેમત ન હોઈ શકે, પરંતુ આ ઝોન વિશેની અધુરી સમજ અને આંખ મીંચીને અહીં એન્ટ્રન્સ મુકી દેવાનું પગલું ગંભીર આફતો નોતરી શકે છે. એકદમ અણિશુદ્ધ ગણતરીઓ સાથે પૂર્વોત્તર દિશામાં મકાનનો પ્રવેશ રખાય તો એ ક્યારેક શુભ પણ બની રહે, પરંતુ એની સાથોસાથ એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે પ્રોપર્ટીની મેગ્નેટિક ગણતરીઓ અને એના મેઝરમેન્ટ્સમાં જરાક અમથો તફાવત વાસ્તુનો એક ગંભીર દોષ બની જાય છે.
૩. દક્ષિણાભિમુખ ઘર મફતમાંય ન લેવાય
સાઉથ ફેસિંગ પ્રોપર્ટી હંમેશા દુર્ભાગ્ય લાવે છે અને એમાં વ્યક્તિનું પતન અનિવાર્ય છે એવી માન્યતા તમામ ગેરમાન્યતામાં સૌથી મોટું જુઠ્ઠાણુ છે. લોકોને એવું માનવા પ્રેરાય છે કે આવી પ્રોપર્ટીમાં તમે કદી બે પાંદડે નહિ થાવ. સાચું તો એ છે કે તમામ દિશાઓ બ્રહ્માંડનું સર્જન છે અને એકસરખું મહત્ત્વ અને પાવર ધરાવે છે. દક્ષિણ દિશા એમાં અપવાદ નથી. હકીકતમાં, આપણે એવું જોયું છે કે મોટાભાગની ધમધોકાર ચાલતી ફેક્ટરીઓ અને અત્યંત સફળ ઉદ્યોગપતિઓ અને બિઝનેસમેનોના બંગલા સાઉથ-ફેસિંગ હોય છે. દક્ષિણની ઊર્જાઓ વ્યક્તિને પ્રસિદ્ધિ, પ્રતિષ્ઠા, ઉત્તરોત્તર પ્રગતિ અને મોટા પાયાના આર્થિક લાભો અપાવે છે. બસ એટલું જ ધ્યાન રાખવાનું કે દક્ષિણ દિશામાં એન્ટ્રન્સ ખરી જગ્યાએ રખાય. આ બહુ અગત્યની સાવચેતી છે કારણ કે ખોટી રીતે એન્ટ્રન્સ રખાય તો એ સંકટોનું નિમિત્ત બની શકે છે.
૪. બેડરૂમમાં અરિસો રાખવાથી ઝઘડાં થાય
દરેક ગૃહસ્થ આવી ગેરમાન્યતાથી વાકેફ છે, પરંતુ એમાં રતિભાર સત્ય નથી. બેડરૂમમાં મિરર (અરિસો) રાખવાથી કોઈ પ્રોબ્લેમ નથી થતો, પણ તમારે એ કઈ દિશામાં રાખવાનો છે એ વિશે સભાન રહેવું પડે. અરિસો પ્રતિબિંબ પાડવાના પોતાના ગુણધર્મને લીધે જળ તત્ત્વનું પ્રતિનિધિત્વ કરે છે એટલે એ સાઉથ કે સાઉથ ઇસ્ટ જેવી અગ્નિ દિશાઓમાં રખાય તો પાયમાલી લાવે એટલે દરેક વ્યક્તિએ અરિસાના ઉપયોગમાં બને એટલી વધુ કાળજી રાખવી જોઈએ, પરંતુ બેડરૂમમાં મિરર રાખવાથી પરિવારમાં બોલાચાલી થાય એવી ચિંતા રાખવાની જરૂર નથી.
૫. યંત્રો રાખવાથી વાસ્તુ દોષો દૂર થાય
વાસ્તુશાસ્ત્રના કન્સલટન્ટસનું આ સૌથી સહેલું અને પોતાના ખિસ્સા ભરવાનું તિકડમ છે. તેઓ પોતાના ક્લાયન્ટ્સ સામે એવી ગુલબાંગો ફેંકે છે કે શ્રીયંત્ર, કુબેર યંત્ર જેવા યંત્રોથી હું તમને નડતા તમામ દોષો દૂર કરી દઈશ. આ પૈસા પડાવાના કીમિયાથી વિશેષ કંઈ નથી. હકીકતમાં વાસ્તુશાસ્ત્ર એક વિજ્ઞાન છે જે પૃથ્વીના મેગ્નેટિક ફિલ્ડ, સૂર્યપ્રકાશ અને પવનના પ્રવાહ જેવા કુદરતના નિયમોને અનુસરે છે. કોઈ યંત્ર રાખવાતી કોઈ જાદુ કે ચમત્કાર થતો નથી.
- રમેશ દવે