Home / Sports : Three more Indians have made their Test debut on 20 June

20 જૂને ભારતના ત્રણ દિગ્ગજોએ કર્યું હતું ડેબ્યુ, ત્રણેયે રચ્યો છે ઈતિહાસ, શું સાઈ સુદર્શન કરી શકશે કમાલ?

20 જૂને ભારતના ત્રણ દિગ્ગજોએ કર્યું હતું ડેબ્યુ, ત્રણેયે રચ્યો છે ઈતિહાસ, શું સાઈ સુદર્શન કરી શકશે કમાલ?

ભારતના યુવા બેટ્સમેન સાઈ સુદર્શનને ટેસ્ટ કેપ મળી છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શુક્રવારે લીડ્સમાં શરૂ થયેલી ટેસ્ટ મેચમાં ચેતેશ્વર પૂજારાએ સાઈ સુદર્શનને ડેબ્યુ કેપ સોંપી હતી. તમિલનાડુનો આ 21 વર્ષીય બેટ્સમેન ટેસ્ટ ડેબ્યુ કરનાર 317મો ભારતીય ખેલાડી છે. તે આ ટેસ્ટમાં ભારત માટે ત્રીજા નંબર પર બેટિંગ કરશે. પૂજારાએ તેને કેપ સોંપી ત્યારે આ સંકેત મળ્યો હતો, કારણ કે પૂજારા ઘણા વર્ષોથી ભારત માટે ત્રીજા નંબર પર બેટિંગ કરતો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

હવે સાઈ સુદર્શન આ જવાબદારી નિભાવશે. તેનું ડેબ્યુ પણ એક ખાસ દિવસે થયું છે. 20 જૂન ભારતીય ક્રિકેટ માટે મોટો દિવસ છે. આ દિવસે ત્રણ ભારતીય દિગ્ગજોએ અલગ અલગ વર્ષોમાં પોતાની ટેસ્ટ કારકિર્દી શરૂ કરી હતી. સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલીએ 20 જૂને ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. હવે આ યાદીમાં સાઈ સુદર્શનનો પણ ઉમેરો થયો છે.

હવે આ ત્રણ ખેલાડીઓ ટેસ્ટનો ભાગ નથી. ગાંગુલી અને દ્રવિડે વર્ષો પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે, જ્યારે વિરાટ કોહલીએ 12 મે 2025ના રોજ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું છે. ગાંગુલી અને દ્રવિડે 20 જૂન 1996ના રોજ ઈંગ્લેન્ડ સામે લોર્ડ્સ ટેસ્ટમાં ડેબ્યુ કર્યું હતું. આ મેચમાં ગાંગુલીએ સદી ફટકારી હતી, જ્યારે દ્રવિડે પણ 95 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 20 જૂન 2011ના રોજ ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું, પહેલી મેચમાં નિષ્ફળ રહ્યા બાદ, તેણે આ ફોર્મેટમાં ઘણા રેકોર્ડ બનાવ્યા હતા. સુદર્શન, ગાંગુલી, દ્રવિડ અને કોહલી ઉપરાંત, આ તારીખે બે વધુ ખેલાડીઓએ ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. જોકે, તેમની કારકિર્દી સારી નહતી રહી. આ ખેલાડીઓ અભિનવ મુકુંદ અને પ્રવીણ કુમાર છે. જોકે, સુદર્શનને ભારતનો નવો સ્ટાર માનવામાં આવી રહ્યો છે. IPL અને ડોમેસ્ટિક ક્રિકેટમાં તેની બેટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. 

ગાંગુલીએ પહેલી ટેસ્ટમાં સદી ફટકારી હતી

1996માં, ભારત અને ઈંગ્લેન્ડની ટીમો લોર્ડ્સ મેદાન પર ટકરાઈ હતી અને આ મેચમાં, સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડે ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી. આ મેચ સૌરવ ગાંગુલી માટે શાનદાર રહી હતી. સદી ફટકારવાની સાથે, તેણે બોલ સાથે પણ કમાલ કરી અને વિકેટો પણ લીધી. ગાંગુલીએ પહેલી ઈનિંગમાં 20 ચોગ્ગાની મદદથી 131 રન બનાવ્યા અને બે વિકેટ પણ લીધી હતી. જોકે, જેક રસેલે પહેલી ઈનિંગમાં 124 રન બનાવ્યા અને મેન ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો હતો. ગાંગુલીએ પાછળથી ભારત માટે 113 ટેસ્ટ રમી. તેણે 42.17ની એવરેજથી 7212 રન બનાવ્યા હતા. જેમાં 16 સદી અને 35 અડધી સદીનો સમાવેશ થાય છે.

પહેલી મેચમાં સદી ચૂક્યો હતો દ્રવિડ

રાહુલ દ્રવિડે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ડેબ્યુ કર્યું અને પહેલી ઈનિંગમાં શાનદાર 95 રન બનાવ્યા હતા, જેમાં 6 ચોગ્ગાનો સમાવેશ થાય છે, પરંતુ તેનું નસીબ તેની સાથે નહતું. આ મેચમાં, દ્રવિડ 95 રન બનાવીને આઉટ થયો, જ્યારે બધાને લાગ્યું કે તે સદી ફટકારશે. આ પછી દ્રવિડે ઘણા રેકોર્ડ બનાવ્યા અને ટીમ ઈન્ડિયાને નવી ઊંચાઈઓ પર પહોંચાડી. તે ભારત માટે ટેસ્ટમાં બીજા ક્રમનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ છે. તેણે 163 ટેસ્ટમાં 52.63ની એવરેજથી 13, 265 રન બનાવ્યા હતા. જેમાં 36 સદી અને 63 અડધી સદીનો સમાવેશ થાય છે.

કોહલી પહેલી ટેસ્ટમાં નિષ્ફળ ગયો

2011ના વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન બાદ, વિરાટ કોહલીને ભારતની ટેસ્ટ ટીમમાં તક આપવામાં આવી હતી અને કોહલી પહેલી મેચમાં જ સંપૂર્ણ નિષ્ફળ રહ્યો હતો. સબીના પાર્ક મેદાન પર વેસ્ટ ઈન્ડિઝ સામે પોતાની પહેલી ટેસ્ટ રમતા વિરાટે બંને ઈનિંગ્સમાં 4 અને 15 રન બનાવ્યા હતા. ફાસ્ટ બોલર ફિડેલ એડવર્ડ્સે તેને બંને ઈનિંગ્સમાં આઉટ કર્યો હતો. જોકે, 14 વર્ષ પછી, વિરાટને દેશના શ્રેષ્ઠ ટેસ્ટ બેટ્સમેનોમાંથી એક માનવામાં આવે છે. તેણે આ વર્ષે 12 મેના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. 123 મેચમાં તેણે 46.85ની સરેરાશથી 9230 રન બનાવ્યા હતા. આમાં 30 સદી અને 31 અડધી સદીનો સમાવેશ થાય છે.

Related News

Icon