
ટેસ્ટ ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિ લીધાના લગભગ 2 મહિના પછી વિરાટ કોહલીએ પોતાના નિર્ણય પર મૌન તોડ્યું છે. 8 જુલાઈ 2025ના રોજ લંડનમાં યુવરાજ સિંહ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં પ્રથમ વખત વિરાટે નિવૃત્તિ લેવાના પોતાના નિર્ણય વિશે વાત કરી છે. યુ વી કેન ફાઉન્ડેશન માટે ભંડોળ એકત્ર કરવા માટે આયોજિત કાર્યક્રમમાં ક્રિકેટ જગતની ઘણી મોટી હસ્તીઓ હાજર રહી હતી.
સમગ્ર ભારતીય ક્રિકેટ ટીમ, સચિન તેંડુલકર, બ્રાયન લારા, ક્રિસ ગેલ, રવિ શાસ્ત્રી, વિરાટ કોહલી, કેવિન પીટરસન જેવા દિગ્ગજો હાજર રહ્યા હતા. ત્યારબાદ એન્કર ગૌરવ કપૂરે વિરાટ કોહલીને તે પ્રશ્ન પૂછ્યો જે દરેક ક્રિકેટ ફેન્સના મન અને હૃદયમાં છે. કિંગ કોહલીએ સીધો જવાબ તો ન આપ્યો પરંતુ પોતાની રંગેલી દાઢીનો ઉલ્લેખ કરીને સંકેત આપ્યો કે તેણે વધતી ઉંમરને કારણે નિવૃત્તિનો મુશ્કેલ નિર્ણય લીધો છે.
સ્ટેજ પર યુવરાજ સિંહ, રવિ શાસ્ત્રી, કેવિન પીટરસન, ક્રિસ ગેલ અને ડેરેન ગફ હાજર હતા અને એન્કર ગૌરવ કપૂર તેની સાથે વાત કરી રહ્યા હતા. પછી તેમણે વિરાટ કોહલીને પણ સ્ટેજ પર આવવા વિનંતી કરી. અંતે કિંગ કોહલી સ્ટેજ પર પહોંચ્યો. આ દરમિયાન ગૌરવ કપૂરે કહ્યું કે મેદાનમાં બધા તમને યાદ કરી રહ્યા છે.
આના પર વિરાટ કોહલીએ કહ્યું, 'મેં મારી દાઢીને 2 દિવસ પહેલા જ રંગી હતી. તમને ખબર છે કે આ એવો સમય છે જ્યારે તમે દર 4 દિવસે તમારી દાઢી રંગો છો.'
વિરાટ કોહલીએ 12 મેના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતાં. તેમણે એક લાંબી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી હતી. કોહલીની ટેસ્ટ કારકિર્દી વિશે વાત કરીએ તો, તેના 123 મેચોમાં 9230 રન છે. તેણે ટેસ્ટમાં 30 સદી અને 31 અડધી સદી ફટકારી છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 254 રન છે. કોહલીએ તેના ટેસ્ટ કારકિર્દીમાં 7 વખત બેવડી સદી ફટકારી છે. તે ટેસ્ટમાં ભારતના સૌથી સફળ કેપ્ટન રહ્યો છે.