
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 ટેસ્ટ મેચની સિરીઝની બીજી મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 336 રને પરાજય આપ્યો છે. આ મેચમાં કેપ્ટન શુભમન ગિલે પ્રથમ ઈનિંગમાં 269 રન અને બીજી ઈનિંગમાં 161 રન બનાવ્યા હોવાથી, તેની ચોતરફ પ્રશંસા થઈ રહી છે. બીજી તરફ ઈંગ્લેન્ડની ટીમે નબળું પ્રદર્શન કરતા ટીમના પૂર્વ કેપ્ટન માઈકલ વોને નિરાશા વ્યક્ત કરી છે. ટીમના વિસ્ફોટ બેટ્સમેન ઝેક ક્રોલીની ટીકા કરતા વોને કહ્યું કે, "ક્રોલી સતત નિષ્ફળ પ્રદર્શન કરી રહ્યો છે, તેમ છતાં તે ભાગ્યશાળી છે કે, તેને ટીમમાં રમવાની તક મળી રહી છે." આ સાથે વોને ક્રોલીને સલાહ આપી છે કે, તેણે શુભમન ગિલની બેટિંગ રણનીતીથી શીખવું જોઈએ અને પોતાની બેટિંગમાં સુધારો કરવો જોઈએ.
વોને ક્રોલીની ઝાટકણી કાઢી
વોને ધ ટેલીગ્રાફમાં લખ્યું છે કે, "કેટલાક વર્ષોથી એવા અનેક ખેલાડીઓએ પ્રશંસકોને નિરાશ કર્યા છે, તેમાં હું પણ સામેલ છું, પરંતુ ક્રોલી સૌથી વધુ નિરાશ કરનાર ખેલાડીઓમાંથી એક છે. જ્યારથી હું ઈંગ્લેન્ડને નજીકથી જોઈ રહ્યો છું, ત્યારથી ક્રોલી સૌથી ભાગ્યશાળી ખેલાડી છે, કારણ કે તે સતત નિષ્ફળ ગયો હોવા છતાં તેને ટીમમાં વધુ ટેસ્ટ રમવાની તક મળી છે."
વોને શુભમન ગિલના કર્યા વખાણ
ક્રિકેટરમાંથી કોમેન્ટેટર બનેલા વોને વધુમાં કહ્યું કે, "ક્રોલીએ પોતાને ભાગ્યશાળી માનવો જોઈએ કે તેને 56 મેચ રમવા મળી છે અને માત્ર 5 સદી ફટકારી છે. ટેસ્ટ ઈતિહાસમાં 2500થી વધુ રન બનાવનારા તમામ ટોચના બેટ્સમેનોમાં તેની એવરેજ સૌથી ઓછી 30.3 છે. શુભમન ગિલને જુઓ, પરિવર્તન સંભવ છે. આ સિરીઝ પહેલા તેની એવરેજ 35 હતી અને હવે 4 ઈનિંગ બાદ તેની એવરેજ 42 પર પહોંચી ગઈ છે. ગિલ તેની માનસીકતા અને રણનીતિના કારણે સફળ થયો છે. ગિલ LBW પ્રત્યે સંવેદનશીલ હોવાનું જાણી ગયો છે. તેણે પોતાના ડિફેન્સમાં મહેનત કરી અને પરિણામ પણ દેખાડી દીધું."
ઝેક ક્રોલીની ટેસ્ટ કારકિર્દી
ઝેક ક્રોલી ઈંગ્લેન્ડ માટે ટેસ્ટ ક્રિકેટ રમે છે, તે જમણા હાથનો ટોપ ઓર્ડરનો બેટ્સમેન છે અને કેન્ટ કાઉન્ટી ક્રિકેટ ક્લબ માટે સ્થાનિક સ્તરે રમે છે. ક્રોલીના ટેસ્ટ ક્રિકેટ રેકોર્ડની વાત કરીએ તો, તેણે કુલ 56 મેચમાં 101 ઈનિંગ રમી 3111 રન નોંધાવ્યા છે. તેણે ટેસ્ટમાં પાકિસ્તાન સામે સૌથી વધુ 267 રન કર્યા છે. તેની એવરેજ 31.42 છે અને તેણે કુલ 5 સદી અને 17 અડધી સદી ફટકારી છે. ઝેક ક્રોલીએ અત્યાર સુધી કોઈ આંતરરાષ્ટ્રીય T20 મેચ નથી રમી. તેણે 2023માં આયર્લેન્ડ સામેની બે ODI મેચોમાં ઈંગ્લેન્ડ ટીમનું નેતૃત્વ કર્યું હતું.