
ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર પરિણામ જાહેર થઇ ગયું છે. કડી બેઠક પર ભાજપ જ્યારે વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. 182 બેઠક ધરાવતી ગુજરાત વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ એક બેઠક વધીને 162 થયું છે જ્યારે આમ આદમી પાર્ટીની એક બેઠક વધતા સંખ્યાબળ 5 થયું છે. કોંગ્રેસને વિધાનસભા પેટા ચૂંટણીમાં એક પણ બેઠક મળી નથી.
ભાજપ-AAPએ પોતાની બેઠક જાળવી રાખી
અનુસૂચિત જાતિ અનામત કડી વિધાનસભા બેઠક કરસનભાઇ સોલંકીના નિધનથી ખાલી પડી હતી જ્યારે વિસાવદર બેઠકથી ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામુ આપતા ખાલી પડી હતી. આ બન્ને બેઠકો જીતીને ભાજપ-AAPએ પોતાની બેઠક જાળવી રાખી છે. કડી બેઠક પર ભાજપના રાજેન્દ્ર ચાવડાનો વિજય થયો છે જ્યારે વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો વિજય થયો છે. ગોપાલ ઇટાલિયા પ્રથમ વખત વિધાનસભામાં પહોંચશે.
ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાં ભાજપનું સંખ્યાબળ 162 પર પહોંચ્યું
ગુજરાત વિધાનસભામાં 182 બેઠક છે જેમાં સૌથી વધુ ભાજપના 162 ધારાસભ્ય થઇ ગયા છે. કોંગ્રેસના 12 ધારાસભ્ય છે જ્યારે આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્ય છે. બે અપક્ષ ધારાસભ્ય છે જેમનું NDAને સમર્થન છે. એક સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય છે.
ગુજરાત વિધાનસભામાં AAPના હવે 5 ધારાસભ્ય
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની વિસાવદર બેઠક પર જીતની સાથે જ આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્ય થઇ ગયા છે. આ પહેલા AAPના જામ જોધપુરના ધારાસભ્ય હેમંત ખાવા,વિસાવદરના ગોપાલ ઇટાલિયા, ગારિયાધારના સુધીર વાઘાણી, બોટાદના ઉમેશ મકવાણા અને ડેડિયાપાડાના ચૈતર વસાવા ધારાસભ્ય છે.
ગુજરાતમાં AAPનું મનોબળ વધશે
વિસાવદરમાં AAPની જીત બાદ ગુજરાતમાં પાર્ટીનું મનોબળ વધી શકે છે. 2022માં માત્ર 5 બેઠક જીતનારી AAP માટે આ જીત પાર્ટીને વધારે મજબૂત કરશે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં. આ જીત AAPને 2027 વિધાનસભા ચૂંટણી પહેલા પાટીદાર અને ખેડૂત મતદારો વચ્ચે મજબૂત કરવામાં મદદ કરી શકે છે. ગોપાલ ઇટાલિયાની જીત AAPના પક્ષ વિરોધી વલણને પણ મજબૂત કરશે, કારણ કે તેમને ભાયાણીના ભાજપમાં જવાનો મુદ્દો બનાવ્યો હતો. જોકે, ભાજપ જે 182માંથી 161 બેઠક સાથે ગુજરાતમાં મોટી પાર્ટી છે તેના માટે આ હાર મોટો ઝટકો છે. વિસાવદરમાં 2007 બાદ ભાજપ જીતી શક્યું નથી.