
ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર ગુરુવારે (19 જૂન) પેટા ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. જ્યારે વિસાવદર વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા બુથ કેપ્ચરિંગની ફરિયાદ નોંધાવાઈ હતી. ચૂંટણી પંચ દ્વારા માલીડા અને નવા વાઘણીયા બુથ પર મતદાન રદ કરીને આજે ફરી મતદાન કરાવવામાં આવી રહ્યું છે. ચૂંટણીના 24 કલાક પછી બંને બૂથના પ્રિસાઈડિંગ ઓફિસરોએ ફરજમાં રૂકાવટ અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
જૂનાગઢ જિલ્લાના વિસાવદર બેઠક માટે 19 જૂને પેટાચૂંટણી યોજાઈ ગઈ. જેમાં માલીડા અને નવા વાઘણીયા બુથ પર બોગસ મતદાનનો પ્રયાસ કરાયો હતો. નવા વાઘણીયામાં 5 વ્યક્તિએ ઘૂસીને ફરજમાં રૂકાવટ કરી હોવાની ભેસાણ પોલીસમાં અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
જ્યારે માલીડામાં અજાણા શખ્સોએ પ્રીસાઈડિં ઓફિસર તેમજ અન્ય સ્ટાફની ફરજમાં રૂકાવટ કરી હોવાની ઘટના અંગે પહેલા આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ બંને બૂથના પ્રિસાઈડિંગ ઓફિસરોએ ફરી મતદાનનો નિર્ણય લેવાયા બાદ અને ચૂંટણીના 24 કલાક પછી પોલીસ ફરિયાદ નોંધાવતા ચર્ચાએ વેગ પકડ્યો છે.
સમગ્ર મામલે બીજે દિવસે ફરિયાદ કરવામાં આવતા પારદર્શક ચૂંટણી પ્રક્રિયા સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. આજે બંને ગામમાં ફેર મતદાન થઈ રહ્યું છે. વાઘણીયાના પ્રિસાઈડિંગ ઓફિસર શરદકુમાર ભુવા અને માલીડાના પ્રીસાઈડીગ રાજુભાઇ ચીત્રોડાએ ફરિયાદ નોંધાવી છે. આ અજાણ્યા શખ્સો કોણે તે અંગે અનેક ચર્ચાઓ ચાલી રહી છે. સમગ્ર ઘટના બાબતે ભેંસાણના પીઆઈ આર.બી. ગઢવીને તપાસ સોંપવામાં આવી છે.