
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 5 એપ્રિલ 2025ના રોજ Waqf કાયદામાં સુધારા માટે સંસદે પસાર કરેલા બિલને આખરે મંજૂરી આપી દીધી હતી. ત્યારથી આ બિલ કાયદામાં ફેરવાઇ ગયું હતું. ત્યારબાદ આજથી (8 એપ્રિલ, 2025) વક્ફ સંશોધન કાયદો, 2025 સત્તાવાર રીતે લાગુ થયો છે. આ અંગે કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કર્યું છે. આમ, હવે સમગ્ર દેશમાં આ કાયદો હવે લાગુ થશે અને સાથે જ આ કાયદો આઝાદી પૂર્વેના મુસલમાન વક્ફ કાયદાનું સ્થાન લેશે. દરમિયાન વક્ફ કાયદામાં સરકારે કરેલા સુધારા સામે વધુ એક અરજી દાખલ કરાઇ છે.
સુપ્રીમ કોર્ટમાં 16 એપ્રિલે સુનાવણી
વક્ફ સંશોધન કાયદાની વિરૂદ્ધમાં થઈ રહેલા વિરોધમાં સુપ્રીમ કોર્ટે ઝડપથી સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટ આ મામલે 16 એપ્રિલના રોજ સુનાવણી કરશે. એનડીએ સરકારના વક્ફ સંશોધન કાયદા 2025ની વિરૂદ્ધમાં વિપક્ષના નેતાઓ સહિત મુસ્લિમ ધર્મ સંગઠને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. જેને પડકારતી અપીલ પર સુપ્રીમ કોર્ટ 16 એપ્રિલે સુનાવણી કરશે.