
Pakistan Minister Khawaja Asif News : ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ અંગે તાજેતરમાં ઘણા નિવેદનો સાંભળ્યા હશે. કેટલાક ભારત તરફથી આવ્યા હતા તો કેટલાક પાકિસ્તાનથી અને કેટલાક તો અમેરિકા અને અન્ય દેશો દ્વારા પણ અપાયા હતા. જોકે, પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફનું નિવેદન જે હાલના સમયે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે એવું સત્ય પહેલા કોઈ પાકિસ્તાની નેતાના મોઢેથી સાંભળ્યું નહીં હોય.
શું બોલ્યાં ખ્વાજા આસીફ?
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફનો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે અમેરિકા પર ગંભીર આરોપો લગાવ્યા છે. આસિફનો આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર @erbmjha નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જેમાં તેમણે અમેરિકા પર છેલ્લા 100 વર્ષથી વિશ્વભરમાં યુદ્ધો ભડકાવીને તેના શસ્ત્રોના વેપારને પ્રોત્સાહન આપવાનો સીધો આરોપ લગાવ્યો છે. તેમના આ નિવેદનથી ઇન્ટરનેટ પર હોબાળો મચી ગયો છે.
'અમેરિકા યુદ્ધ ભડકાવે છે, પછી શસ્ત્રો વેચે છે'
ખ્વાજા આસિફે વીડિયોમાં કહ્યું, 'અમેરિકાએ છેલ્લા 100 વર્ષમાં 260 યુદ્ધો લડ્યા છે, જ્યારે ચીન ફક્ત ત્રણમાં સામેલ હતું. અમેરિકા પૈસા કમાવાતું રહે છે, તેનો શસ્ત્ર ઉદ્યોગ વિશાળ છે અને તેના અર્થતંત્રનો મહત્વપૂર્ણ ભાગ છે. એટલા માટે તે દુનિયાભરમાં સંઘર્ષ ઉભા કરતું રહે છે. અફઘાનિસ્તાન, સીરિયા, ઇજિપ્ત, લિબિયા જેવા દેશો, જે એક સમયે સમૃદ્ધ હતા, હવે યુદ્ધો લડીને ગરીબ બની ગયા છે. પાકિસ્તાની મંત્રીએ દાવો કર્યો હતો કે અમેરિકા યુદ્ધોમાં બંને પક્ષોને ટેકો આપીને તેના શસ્ત્ર ઉદ્યોગને પ્રોત્સાહિત કરે છે, જેને તે 'સ્થાપિત ઉદ્યોગ' માને છે.
પાકિસ્તાની મંત્રીના નિવેદન પર સોશિયલ મીડિયા પર ચર્ચા છંછેડાઈ
ખ્વાજા આસિફના આ નિવેદન પર સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક લોકો તેમના નિવેદનની ટીકા કરી રહ્યા છે. તો કેટલાક લોકો પૂછી રહ્યા છે કે જ્યારે પાકિસ્તાનને F-16 ફાઇટર જેટ ખરીદવામાં અને અમેરિકા પાસેથી આર્થિક મદદ લેવામાં કોઈ વાંધો નથી, તો પછી હવે અમેરિકા પર આંગળી કેમ ઉઠાવે છે? X પર એક યુઝરે કટાક્ષમાં લખ્યું, 'અમેરિકાને દોષ આપવો સહેલું છે, પરંતુ તેમનો પોતાનો દેશ એ જ અમેરિકા પાસેથી F-16 ખરીદવામાં ખુશ છે.' રસપ્રદ વાત એ છે કે, કેટલાક લોકો આસિફના નિવેદનના મૂળ વિચાર સાથે સંમત હતા, પરંતુ તેમણે તેમની બેવડી વાત સામે પણ સવાલ ઉઠાવ્યા હતા. એક યુઝરે લખ્યું, 'સામાન્ય રીતે આ વ્યક્તિ બકવાસ બોલે છે, પણ આ બાબતે સાચો છે.'