Vadodara news: વડોદરા શહેરમાં આવેલા રાવપુરા મચ્છીપીઠમાં આજે સમી સાંજે મનપા તંત્રની બેદરકારીએ કાળઝાળ ગરમીમાં પાણીનો બગાડ થતો હોવાનું સામે આવ્યું છે. આ વિસ્તારમાં ચોમાસા વગર ભુવો પડતા તેના સમારકામ દરમિયાન જેસીબીથી કામગીરી ચાલી રહી હતી આ દરમિયાન પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. જેથી વગર વરસાદે પીવાના ચોખ્ખા પાણીનો રીતસરનો બગાડ થયો હતો. વડોદરા મનપાના પાપે લાખો લિટર પાણી રસ્તામાં વહી ગયું હતું.
વડોદરાના રાવપુરા મચ્છીપીઠમાં 23 મે શુક્રવારની સમી સાંજે ભુવો પડયો હતો. જેની કામગીરી દરમ્યાન પાણીની મેઈન લાઈનમાં જેસીબીથી ભંગાણ સર્જાયું હતું. જેથી આખા વિસ્તારમાં તંત્રની બેદરકારીએ લાખો લિટર ચોખ્ખા પાણીનો વેડફાટ થયો હતો. વડોદરા મનપા આમ પણ શહેરીજનોને પૂરતા પ્રેશરથી પાણી નથી આપી રહી તેવામાં મનપાના પાપે લાખો લિટર પાણી રસ્તામાં વેડફાટ થયું હતું. પાણી વેડફાડના આ દ્રશ્યને જોઈને શહેરીજનોએ નિસાસા નાખ્યા હતા.