
મૂળ પોરબંદરના તથા છેલ્લા 16 વર્ષથી મોઝામ્બિક ખાતે જનરલ સ્ટોર ધરાવતા યુવાનનું તા. 3 માર્ચ રાત્રે ત્યાંના
લૂંટારૂઓ અંધાધૂંધ ફાયરીંગ કરીને અપહરણ કરીને લઇ ગયા બાદ હજુ સુધી પત્તો નહીં મળતા પરિવારજનો ચિંતાતૂર બન્યા છે અને ગૃહમંત્રીથી માંડીને પોરબંદરના સ્થાનિક નેતાઓને પણ જાણ કરવા છતાં હજુ સુધી ભાળ મળી નથી, તેથી પરિવારના સભ્યો વધુ ચિંતાતૂર બન્યા છે.
બનાવની વિગત એવી છે કે મૂળ પોરબંદરના તથા છેલ્લા સોળ વર્ષથી મોઝામ્બિકના માપુટો ખાતે રહેતા અને 'ગેનાગેનાદ (પધારો...પધારો) નામનો જનરલ સ્ટોર ચલાવીને વેપાર કરતા 36 વર્ષના વિનય સોહનભાઇ સોનેજીનું ત્યાંની લોકલ ગેંગના લૂંટારૂઓ અપહરણ કરીને લઇ ગયા છે. જેમાં વિગત એવી છે કે તા. 3-3ના રાત્રે 8.10 કલાકે પોતાની શોપ વધાવીને ગુજરાતી સ્ટાફના બે માણસો અને એક ગાર્ડ સાથે દુકાન બંધ કરીને વિનય પોતાની ગાડી લેવા રોડ ક્રોસ કરતો હતો ત્યારે અચાનક જ લૂંટારૂઓ એક કારમાં ત્યાં આવી પહોંચ્યા હતા. કારમાંથી બે શખ્સો હથિયાર સાથે ઉતર્યા હતા અને અંધાધૂંધ ફાયરીંગ કરી ગણતરીની સેકન્ડોમાં જ તેમનું અપહરણ કરીને તેઓ કારમાં ઉઠાવી ગયા હતા.
વેપારીના અપહરણ થયા બાદ રાત્રિના સમયે ત્યાં સ્થાનિક કક્ષાએ તેમના સાથીદારોને લૂંટારૂઓએ ફોન કરીને ત્યાંના 30 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. આથી એ જે કહે તે રકમ આપવાની તૈયારી બતાવવામાં આવી હતી, પરંતુ માત્ર એકજ શરત રાખવામાં આવી હતી કે વિનય સાથે ફોનમાં વાત કરાવી દે તેવી માંગ કરી હતી. અડધો કલાક પછી વાત કરાવશું તેમ ફોનમાં કહ્યું હતું, પરંતુ ત્યારબાદ ત્રણ દિવસ વીતી ગયા છતાં લુંટારૂઓનો ફોન આવ્યો નથી.