
ભારતમાં પ્રયાગરાજમાં મહાકુંભમાં ભાગદોડમાં 15થી વધુ લોકોના મોત થયા છે. વિપક્ષ ઉત્તર પ્રદેશની યોગી સરકાર પર પ્રહાર કરી રહ્યું છે અને અખિલેશ યાદવે તો યોગી આદિત્યનાથનું રાજીનામું પણ માંગી લીધુ છે. બીજી તરફ સર્બિયામાં રેલવે સ્ટેશન પર ભાગદોડમાં 15 લોકોના મોત થયા હતા આ ઘટના બાદ થઇ રહેલા પ્રદર્શનના દબાણમાં સર્બિયાના વડાપ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે.
સર્બિયાના વડાપ્રધાને આપ્યું રાજીનામું
સર્બિયાના વડાપ્રધાન મિલોસ વુસેવિકે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે, તેમના વિરૂદ્ધ નવેમ્બર મહિનાથી જ વિરોધ પ્રદર્શન થઇ રહ્યાં હતા.વડાપ્રધાને કહ્યું કે તેમને આ નિર્ણય સ્થિતિને જટિલ બનાવતા બચાવવા માટે લીધો છે.
સર્બિયામાં નવેમ્બરમાં દેશના બીજા સૌથી મોટા શહેર નોવી સાદમાં રેલવે સ્ટેશનનો એક ભાગ તૂટી ગયો હતો. આ દુર્ઘટનામાં 15 લોકોના મોત થયા હતા. આ ઘટના વિરૂદ્ધ દરરોજ વિરોધ પ્રદર્શન થઇ રહ્યાં છે.
દુર્ઘટના બાદથી અત્યાર સુધી આ ઘટનામાં 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમાં સર્બિયાના પૂર્વ નિર્માણ મંત્રી પણ સામેલ હતા, તેમને ઘટનાના કેટલાક દિવસ બાદ પોતાનું રાજીનામું આપ્યું હતું પરંતુ તેમનું કહેવું હતું કે તે તેના માટે દોષી નથી.
યુરોપ મહાદ્વીપનો દેશ સર્બિયા આ વિરોધ પ્રદર્શનને કારણે સતત ચર્ચામાં છે. નવેમ્બર મહિનામાં બેલગ્રેડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પોતાના પરિસરમાં આ ઘટનાનો વિરોધ કરવા લાગ્યા હતા અને ધીમે ધીમે આ પ્રદર્શન 50થી વધુ યુનિવર્સિટી ફેકલ્ટી સુધી પહોંચી ગયો હતો. આ સિવાય સ્કૂલોમાં પણ પ્રદર્શન થવા લાગ્યા હતા.ગત રવિવારે હજારો લોકો બેલગ્રેડના રસ્તા પર ઉતરી આવ્યા હતા અને આ દુર્ઘટનાની જવાબદારી નક્કી કરવાની માંગ કરી હતી.