
પાકિસ્તાનના કબ્જા ધરાવતા કાશ્મીર (PoK)ના કથિત વડાપ્રધાન ચૌધરી અનવારૂલ હકે પહેલગામ હુમલા બાદ ભારત વિરૂદ્ધ ઝેર ઓંક્યું છે. સાથે એમ પણ માન્યું કે આ હુમલાનું ષડયંત્ર પાકિસ્તાનમાં રચવામાં આવ્યું છે. એક કાર્યક્રમમાં અનવારૂલ હકને પહેલગામ આતંકી હુમલા પર સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમને આ હુમલાને બલૂચિસ્તાનનો બદલો ગણાવ્યો હતો અને કહ્યું કે ભારતમાં દિલ્હીથી કાશ્મીર સુધીની જમીનને દહેલાવવાનું કામ કરીશું.
PoKના કથિત વડાપ્રધાને ભારત વિરૂદ્ધ ઓક્યું ઝેર
પહેલગામના સવાલ પર અનવારૂલ હકે કહ્યું, 'તમે આ સવાલ પૂછ્યો તો હું કહેવા માંગુ છુ કે તમે (ભારત) બલૂચિસ્તાનમાં પાકિસ્તાનીઓના લોહીથી હોળી રમશો તો તેની કિંમત તમારે દિલ્હીથી કાશ્મીર સુધી ચુકવવી પડશે. કાશ્મીરી (PoK) મુજાહિદ તેમાં પહેલાથી જ ભાગ લેતા રહ્યાં છે. આગળ વધારે મજબૂતી સાથે આ કામ કરશે, તમારાથી જે થાય તે કરી લો.'
પહેલગામ હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ
પાકિસ્તાનના વિદેશ મંત્રીથી લઇને સંરક્ષણ મંત્રી સુધી પહેલગામ પર નિવેદન આપી ચુક્યા છે. પાકિસ્તાનના મંત્રી સતત એમ કહી રહ્યાં છે કે પાકિસ્તાન પર આ હુમલાનો ઠીકરો ફોડવો ખોટો છે. પાકિસ્તાન સરકારે તર્ક આપ્યો કે જો પહેલગામ હુમલા પાછળ પાકિસ્તાનની કોઇ ભૂમિકા છે તો તેના ભારતે પુરાવા આપવા જોઇએ. પાકિસ્તાન સરકારના કઠપુતળી અનવારૂલ હકે કહ્યું કે આ બલૂચિસ્તાનનો બદલો છે, જેનાથી ખબર પડે છે કે તેમાં પાકિસ્તાનનું ષડયંત્ર છે. હકે એક રીતે પાકિસ્તાનની પોલ ખોલી નાખી છે.
પહેલગામમાં આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના થયા હતા મોત
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે પ્રવાસીઓ પર આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં 26 પ્રવાસીઓના મોત થયા હતા. છેલ્લા કેટલાક વર્ષમાં જમ્મુ કાશ્મીરમાં સામાન્ય નાગરિકોને નિશાન બનાવતા કરવામાં આવેલો આ સૌથી મોટો હુમલો છે. આ હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાના સંકેત મળી રહ્યાં છે.