
એલોન મસ્ક દ્વારા ક્રિપ્ટો ઇન્ફ્લુએન્સર ટિફની ફોન્ગને એક વિચિત્ર ઓફર આપવામાં આવી હતી. એલોન મસ્કે તેને પોતાના બાળકની માતા બનવાની ઓફર કરી હતી, જેને તેણે ફગાવી દીધી હતી. ત્યાર બાદ જ્યારે તેણે આ વિશે તેના ફ્રેન્ડ્સને કહ્યું હતું. આ વાત બહાર ત્યારે આવી કે એલોન મસ્ક દ્વારા તેને અનફોલો કરી દેવામાં આવી હતી.
મસ્કની વસ્તી વધારાની ઘેલછા
એલોન મસ્કના ચાર મહિલાઓ સાથે 14 બાળકો છે. છેલ્લું બાળક હજી પોતાનું હોવાની જવાબદારી તેણે સ્વીકારી નથી. આ વાત હજી સુધી ખૂબ જ ચર્ચામાં છે ત્યારે હવે બીજી કન્ટ્રોવર્સી બહાર આવી રહી છે. એલોન મસ્ક હવે પોતાના બાળકોની એક વસ્તી બનાવી રહ્યો છે. મસ્કનું માનવું છે કે માનવજાતી પર સૌથી મોટું સંકટ વસ્તીનું છે, તેથી તે પોતાના બાળકો વધારી રહ્યો છે. આ માટે તેણે ઘણી મહિલાઓનો સંપર્ક કર્યો છે. મસ્કે તેમને પોતાના બાળકોની મમ્મી બનવાની ઓફર આપી છે. કેટલીક મહિલાને સ્પર્મ આપી સરોગેટ કરવાની ઓફર પણ કરી છે. આ માટે તે ફક્ત એક જ શરત મૂકે છે કે એ સિક્રેટ રાખવું. જોકે, દરેક મહિલાએ આ ઓફર સ્વીકારી નથી અને કેટલીક મહિલાએ આ ઓફરને જાહેર પણ કરી દીધી છે.
ટિફની ફોન્ગે ફગાવી ઓફર
એલોન મસ્કની આ પ્રકારની ઓફર ફગાવનારી એક મહિલા લાસ વેગાસની ક્રિપ્ટોકરન્સી ઇન્ફ્લુએન્સર ટિફની ફોન્ગ છે. તે પોતાને ક્રિપ્ટો જર્નાલિસ્ટ માને છે અને ઘણાં લોકોના ઇન્ટરવ્યુ પણ લે છે. તેણે મસ્કની આ ઓફર ફગાવી દેતાં ઘણાં લોકોને આશ્ચર્ય થયું છે.
એલોન મસ્કે કેવી રીતે સંપર્ક કર્યો ટિફનીનો?
એલોન મસ્ક તેને X પર મળ્યો હતો. શરૂઆતમાં મસ્ક દ્વારા ટિફનીની પોસ્ટને લાઇક કરવામાં આવી હતી અને એના પર રિપ્લાઇ પણ કરતો હતો. ત્યાર બાદ તેણે પોતાની કંપનીનો ફાયદો ઉઠાવી ટિફનીની પોસ્ટને વધુ લોકો સુધી પહોંચાડી હતી, જેથી તે તેને ઇમ્પ્રેસ કરી શકે. એક સમયે એવો આવ્યો કે ટિફની ફક્ત બે અઠવાડિયામાં 21,000 અમેરિકન ડોલરની કમાણી કરતી થઈ ગઈ હતી. ત્યાર બાદ એક મેસેજ આવ્યો અને બધું બદલાઈ ગયું.
શું કર્યો હતો મસ્કે મેસેજ?
ધ વોલ સ્ટ્રીટ જર્નલમાં આવેલા એક રિપોર્ટ મુજબ મસ્ક દ્વારા ટિફનીને મેસેજ કરવામાં આવ્યો હતો કે તે તેની સાથે બાળકને જન્મ આપે. ટિફની આ મેસેજ જોઈને થોડી અવાચક થઈ ગઈ હતી, કારણ કે તે આજ સુધી મસ્કને મળી નહોતી. તેમ છતાં તેને આ ઓફર આપવામાં આવી હતી. ટિફનીએ આ ઓફરને ફગાવવાનું નક્કી કર્યું હતું અને એ સમયે તેને જાણ પણ હતી કે જો તેણે આ ઓફર ઠુકરાવી તો તેના પર કેવા પરિણામ આવી શકે. મસ્ક ખૂબ જ પૈસાદર અને પાવરફુલ હોવાથી એ પાછળનું રિસ્ક તેણે જાણી લીધું હતું. આમ છતાં તેણે એને ના પાડી દીધી હતી.
મસ્કને આવ્યો ગુસ્સો
આ રિપોર્ટ મુજબ ટિફનીએ મસ્કની ઓફરની વાત તેના ફ્રેન્ડ્સને કરી હતી. આ ફ્રેન્ડ્સમાં મસ્કના 14માં બાળકની મમ્મી એશલી સેન્ટ ક્લેરનો પણ સમાવેશ થાય છે. એશલીને પણ આ વાતની જાણ થઈ હતી અને એ તમામ માહિતી ધીમે-ધીમે મસ્ક સુધી પહોંચી હતી. મસ્કને જ્યારે ગુસ્સો આવ્યો, તેણે તરત જ ટિફનીને અનફોલો કરી દીધી હતી. ત્યાર બાદ તેના ફોલોઅર્સ પણ ખૂબ જ ઘટી ગયા અને તેની પ્રોફાઇલની રીચ પણ હવે ઘટી ગઈ છે. આ કારણસર હવે તેની કમાણી પણ ખૂબ જ ઓછી થઈ ગઈ છે. આ વિશે વાત જગજાહેર થતાં ટિફની પ્રેગ્નન્ટ હોવાની ચર્ચા ચાલી હતી, જેને તેણે ફગાવી દીધી હતી.
ટિફની ફોન્ગની ઉંમર શું છે?
ટિફની ફોન્ગની લિંક્ડઇન પ્રોફાઇલ મુજબ તેનો જન્મ 1994ની 19 માર્ચે લાસ વેગાસમાં થયો હતો. તેણે 2016માં સાઉથર્ન કેલિફોર્નિયાની યુનિવર્સિટીમાંથી જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનમાં ડિગ્રી મેળવી હતી. ત્યાર બાદ તેણે માર્કેટિંગ, પબ્લિક રિલેશન, ક્રિએટિવ ડેવલપમેન્ટ અને રિસર્ચ પર ફોકસ કર્યું હતું. જોકે અંતે તે ઇન્ફ્લુએન્સર બની ગઈ છે અને લોકોના સોશિયલ મીડિયા પર ઇન્ટરવ્યુ લે છે.
કેવી રીતે બની ઇન્ફ્લુએન્સર?
કોવિડ-19 દરમિયાન ટિફનીએ સેલિસિયસ નેટવર્કમાં બે લાખ અમેરિકન ડોલર ઇનવેસ્ટ કર્યા હતા. જોકે 2022માં કંપનીએ નાદારી જાહેર કરતાં ટિફનીએ તેના પૈસા ડૂબી ગયા એ માટેનો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોને 85,000 વ્યુઝ મળ્યા હતા. ત્યારથી તેણે ક્રિપ્ટો જર્નાલિઝમની શરૂઆત કરી હતી. તેના X પર 3.40 લાખ અને યૂટ્યુબ પર 48,000 સબ્સ્ક્રાઇબર્સ છે.