
ઉત્તર પ્રદેશના આગ્રામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ પાંચ વખત નસબંધી કરાવી. તેમ છતાં તે અઢી વર્ષમાં 25 વખત ગર્ભવતી થઈ. આ સાંભળવામાં વિચિત્ર લાગે છે છે. પરંતુ આ કિસ્સો ઉત્તર પ્રદેશના આગ્રામાંથી સામે આવ્યો છે. પરંતુ જ્યારે તેની હકીકત સામે આવી તો દરેક જણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા.
કેવી પ્રકાશમાં આવ્યો આ ચોંકાવનારો કિસ્સો?
આ ચોંકાવનારો કિસ્સો ત્યારે સામે આવ્યો જ્યારે આરોગ્ય વિભાગે ફતેહાબાદના સીએચસીનું નિયમિત ઓડિટ કર્યું. ઓડિટ ટીમે જેમ-જેમ દસ્તાવેજોની તપાસ કરી, તેમ-તેમ તેમના હોશ ઉડતા ગયા. એક જ નામની મહિલાના નામે રેકોર્ડમાં 25 વખત ડિલિવરી અને પાંચ વખત નસબંધી દર્શાવવામાં આવી હતી. એટલું જ નહીં, આ મહિલાના ખાતામાં કુલ 45,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, તે પણ સરકારી યોજનાઓના નામે.
દોષિતો સામે થશે કાર્યવાહી
જ્યારે આ મામલો ઓડિટ ટીમની સામે આવ્યો, ત્યારે તેમણે તાત્કાલિક આગ્રાના સીએમઓ ડૉ. અરુણ શ્રીવાસ્તવને આ અંગે જાણ કરી. ડૉ. શ્રીવાસ્તવ પોતે ઘટનાસ્થળે પહોંચ્યા અને મામલાની ગંભીરતાને ધ્યાને લઈને તપાસનો આદેશ આપ્યો. તેમણે કહ્યું કે આ તપાસ કરવામાં આવશે કે આ ટેકનિકલ ભૂલ છે કે કર્મચારીઓની મિલીભગતથી કરવામાં આવેલો ગોટાળો છે. જો કોઈ દોષી જણાશે, તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ ગોટાળો કેવી રીતે થયો?
રાજ્ય સરકાર દ્વારા બે મુખ્ય યોજનાઓ ચલાવવામાં આવે છે: જનની સુરક્ષા યોજના અને મહિલા નસબંધી પ્રોત્સાહન યોજના. આ યોજનાઓ હેઠળ, જનની સુરક્ષા યોજનામાં પ્રસવ બાદ મહિલાને 1400 રૂપિયા અને પ્રેરણા આપનાર આશા કાર્યકર્તાને 600 રૂપિયા આપવામાં આવે છે. નસબંધી બાદ મહિલાને 2000 રૂપિયા અને આશાને 300 રૂપિયા મળે છે. આ સમગ્ર રકમ મહિલાના ખાતામાં 48 કલાકની અંદર સીધી ટ્રાન્સફર કરવામાં આવે છે. આ બંને યોજનાઓની આડમાં જ આ મોટો ગોટાળો કરવામાં આવ્યો. એક મહિલાને વારંવાર ડિલિવરીના નામે દર્શાવવામાં આવી, પછી વારંવાર નસબંધી કરાવવામાં આવી, અને દર વખતે સરકારી નાણાંનું પેમેન્ટ કરી દેવામાં આવ્યું. આ રીતે લગભગ 45,000 રૂપિયાની સરકારી રકમની ઉચાપત કરવામાં આવી.
સીએમઓએ શું જણાવ્યું?
આગ્રાના સીએમઓએ જણાવ્યું કે ફતેહાબાદ અને શમશાબાદના સીએચસી પર વર્ષોથી કેટલાક કર્મચારીઓનો દબદબો રહ્યો છે. આ કારણે તેમણે એક જ વર્ષમાં ચાર અધીક્ષકોની બદલી કરાવી દીધી, પરંતુ તેમનો દબદબો હજી પણ કાયમ છે. તેમણે કહ્યું કે યોજનાઓની રકમ સમયસર ટ્રાન્સફર કરવાનું દબાણ રહે છે, અને તે જ ઉતાવળમાં આવી ગરબડ થઈ શકે છે.
તપાસ સમિતિની રચના
સીએમઓ ડૉ. અરુણ શ્રીવાસ્તવે મામલાની ગંભીરતાને સમજીને એક વિશેષ તપાસ સમિતિ બનાવવાની જાહેરાત કરી છે. આ સમિતિને એ શોધવાનું છે કે આ ભૂલ ટેકનિકલ છે કે પછી કર્મચારીઓની મિલીભગતથી કરવામાં આવેલો આયોજિત ગોટાળો છે. જો કર્મચારીઓ દોષી જણાશે તો તેમની સામે કડક વિભાગીય અને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. સીએમઓ આગ્રા ડૉ. અરુણ શ્રીવાસ્તવે કહ્યું કે તપાસમાં જો કોઈ દોષી જણાશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.