Rajkot ના ઈન્દિરા સર્કલ પાસે સિટી બસે સર્જેલા અકસ્માતમાં ચાર લોકોના મોતની ઘટનામાં માત્ર ડ્રાઈવરની જ ધરપકડ થઈ છે. પરંતુ જવાબદાર સામે કોઈ જાતના પગલાં ન લેવાયા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના આગેવાનોએ પોલીસ કમિશનર કચેરીએ રામધુન બોલાવી હતી. તેમજ પોલીસ કમિશનર હાય હાયના નારા લગાવ્યા હતા. તેમજ જિલ્લા પંચાયત ચોક ખાતે પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ભાજપ નેતાને છાવરવાના આક્ષેપો સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
રાજકોટના ઈન્દિરા સર્કલ પાસે સીટી બસે સર્જેલા અકસ્માત બાદ કોંગ્રેસ આગેવાનોએ પોલીસ કમિશ્નર કચેરી તેમજ જિલ્લા પંચાયત ચોક ખાતે પણ વિરોધ પ્રદર્શન કર્યુ હતું. વિશ્વમ સિટીબસના કોન્ટ્રાક્ટર વિક્રમ ડાંગર સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવે તેવી માંગ કરી હતી. રાજકોટ મહાપાલિકા સિટી બસના કોન્ટ્રાક્ટરને છાવરવાના પ્રયાસ કરતી હોવાની પણ લોકમુખે ચર્ચા થઈ રહી છે. વિક્રમ ડાંગર મહાપાલિકાના વોર્ડ નંબર ચારમાં ભાજપના નેતા તરીકે સક્રિય છે તેવો પણ આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો.