દેડિયાપાડા લાફા કાંડ કેસમાં આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ બાદ આજે તેમને રાજપીપળા કોર્ટમાં હાજર કરવામાં આવતા જ રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. કોર્ટ પરિસર બહાર પોલીસ અને AAPના કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું. પોલીસે AAPના નેતા ગોપાલ ઇટાલિયા, કાર્યકરો અને મીડિયાને કોર્ટમાં જતા રોકતા મામલો બિચક્યો હતો. ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે હું વકિલ તરીકે અહીં આવ્યો છું ધારાસભ્ય તરીકે નહીં. વકિલને કોર્ટમાં જતા કેમ રોકી રહ્યા છો. ક્યો કાયદો છે કે કોર્ટમાં વકિલને ના જવા દેવાય.
ગોપાલ ઈટાલિયાએ રોષ ઠાલવ્યો
આ ઘટના અંગે AAPના કાર્યકરો અને ગોપાલ ઇટાલિયાએ પોલીસ સામે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, "કોની પોલીસ છો ભાજપની? કોર્ટ પ્રજાની છે, ભાજપની નહીં." તેમણે ઉમેર્યું હતું કે, "અદાલતમાં કોઈ પણ માણસ જઈ શકે, ખુલ્લી અદાલત છે." પોલીસે કોર્ટનો ગેટ બંધ કરી લોકોને અને મીડિયાને અંદર જતા રોક્યા હતા, જેને લઈને પરિસ્થિતિ વધુ તણાવપૂર્ણ બની હતી.
પોલીસે આપ કાર્યકરોને અટકાવ્યા
ચોંકાવનારી વાત એ જોવા મળી કે ખાનગી કારમાં આવેલી પોલીસે ગોપાલ ઈટાલિયાએ કોર્ટમાં જતા રોક્યા. જેતી તેમણે અને કાર્યકરોએ પોલીસને સવાલ કર્યો કે, 'ઓપન કોર્ટમાં જતા રોકો છો, આ કેવી લોકશાહી?" તેમણે પોલીસને તાકીદ કરી હતી કે, "લોકોને કોર્ટમાં જવા દો, ભાગવાનું નથી, ખોટે ખોટી ફોન પર વાતો ન કરો. કોર્ટમાં જવા કોને પૂછવું પડે, એવો કયો કાયદો છે? હાઈકોર્ટમાં જવા માટે પણ નથી પૂછવું પડતું. આતંકવાદી હોય એમ ગેટ બંધ કરી દીધો છે."
પોલીસે કર્યો પોતાનો બચાવ
આ સમગ્ર વિવાદ વચ્ચે પોલીસે આ મુદ્દે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. પોલીસે જણાવ્યું કે, "કલેક્ટરનું જાહેરનામું છે કે સરકારી કચેરી કે ક્યાંય પણ કલમ 144 લાગુ છે, જેમાં ચારથી વધુ લોકો ભેગા ન થઈ શકે." પોલીસે વધુમાં ઉમેર્યું કે, "મોહરમ અને ચૈતર વસાવાની અટકાયત બાદ કાયદો વ્યવસ્થા જાળવવા માટે આ પગલાં લેવામાં આવ્યા છે અને એસઆરપીનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે."
આ ઘટનાને પગલે રાજપીપળામાં રાજકીય વાતાવરણ ગરમાયું છે અને કાયદો-વ્યવસ્થા જાળવવાના પોલીસના પ્રયાસો સામે લોકશાહી અધિકારોના હનનનો પ્રશ્ન ઉભો થયો છે.