
Dudhsagar Dairy News: મહેસાણાની દૂધ સાગર ડેરીમાં રાજકારણ ગરમાયું છે. મહેસાણા દૂધસાગર ડેરીની બોર્ડ મિટિંગમાં હોબાળો થયો હોવાનું સામે આવી રહ્યું છે. ચેરમેન અશોક ચોધરીએ વાઇસ ચેરમેનને લાફો માર્યાના આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે. તેમજ ચેરમેન અશોક ચૌધરીએ વાઈસ ચેરમેનને લાફા મારતા ચશ્મા અને ચેન પણ તોડી દેવાનો આક્ષેપ પણ લગાવ્યા હતા. વાઇસ ચેરમેન યોગેશ પટેલ અને તેમનું જૂથ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે, ચેરમેન અશોકભાઈ ચૌધરી સામે ફરિયાદ માટે વાઇસ ચેરમેન યોગેશ પટેલ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. યોગેશ પટેલ સાથે ડિરેકટર કનુભાઈ ચૌધરી અને ડિરેકટર એલ કે પટેલ પણ ફરિયાદ માટે પહોંચ્યા હતા. પ્રશ્ન પૂછતાં ચેરમેને ઉશ્કેરાઈ લાફો માર્યો હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. ભાજપના મેન્ડેડથી ચેરમેન અને વાઇસ ચેરમેન બન્યા છે.
અમે કોઈ લાફો માર્યો નથી, તેમણે કરેલા આક્ષેપ પાયા વિહોણા : અશોક ચૌધરી
મહેસાણા દૂધ સાગર ડેરીમાં લાફો મારવાનો મામલે ચેરમેન અશોક ચૌધરીનું નિવેદન સામે આવ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે, આજે બોર્ડ મિટિંગમાં વાઇસ ચેરમેને જે પ્રશ્ન કર્યા હતા તેનો અમે જવાબ આપ્યો છે. તેઓ જાતે જ બોર્ડ રૂમ છોડીને ગયા છે. અમે કોઈ લાફો માર્યો નથી, તેમણે કરેલા આક્ષેપ પાયા વિહોણા છે.