
કડીની પેટાચૂંટણીમાં ઉમેદવારની પસંદગીમાં ભાજપના એકપણ જૂથનો ગજ વાગ્યો નથી. મહત્વનું છેકે, કડીમાં જેનો પડ્યો બોલ ઝિલાતો હતો તે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો પણ પનો ટૂંકો પડ્યો છે. ભાજપ હાઇકમાન્ડે જૂના જનસંઘી રાજેન્દ્ર ચાવડાની પસંદગી કરી બધી ગણતરી જ ઉંધી પાડી દીધી હતી જે સમગ્ર કડી વિસ્તારમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે.
70 દાવેદારોએ બાયોડેટા આપ્યા
કડી બેઠક પર પેટાચૂંટણી લડવા માટે ગુજરાતી ફિલ્મ કલાકાર હિતુ કનોડિયા, ગાયક કલાકાર કાજલ મહેરિયાએ ભાજપ પાસે ટીકીટ માંગી હતી. આ ઉપરાંત 70 દાવેદારોએ બાયોડેટા આપીને ચૂંટણી નીરીક્ષકો સમક્ષ ચૂંટણી લડવા ઇચ્છા વ્યક્ત કરી હતી. જોકે, કડીના સ્થાનિક નેતાઓનું કહેવુ હતુ કે, ઉમેદવાર પસંદગીમાં નીતિન પટેલની મુખ્ય રોલ હશે. આ ઉપરાંત નીતિન પટેલ સહિત તેમના જૂથે માનીતાને ટીકીટ અપાવવા રાજકીય લોબિંગ કર્યુ હતું પણ મેળ પડ્યો ન હતો.
નીતિન પટેલ સહિત અન્ય સક્રિય જૂથોની રીતસર બાદબાકી
હાઇકમાન્ડે જૂના જનસંઘી રાજેન્દ્ર ચાવડાને ચૂંટણી મેદાને ઉતારવા નક્કી કર્યું ત્યારે એ વાત સ્પષ્ટ થઇ હતી કે, કડીમાં હવે નીતિન પટેલનો દબદબો ઘટ્યો છે. લોબિંગ કર્યા પછી ય નીતિન પટેલના માદરે વતન કડીમાં કઇં ચાલ્યુ ન હતું. હાઇકમાન્ડે ખેલ પાડીને નીતિન પટેલ સહિત અન્ય સક્રિય જૂથોની રીતસર બાદબાકી કરી હતી. કડીમાં ઉમેદવાર પસંદગીમાં નીતિન પટેલનો જરાયે ગજ વાગ્યો ન હતો. આ પસંદગી પ્રક્રિયાએ પણ ઘણો મોટો સંદેશો આપ્યો છે.