અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના કારણે નિકોલ વિસ્તારમાં આવેલા મધુમાલતી આવાસ યોજનના મકાનમાં રહેતા જીતુભાઈ નામના બીમાર વ્યકિતનું મોત થયુ હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે. સાડા ત્રણ ફુટ ભરાયેલા વરસાદના પાણીમાં એમ્બ્યુલન્સ જઈ ના શકતા આ વ્યકિતને સાયકલ રેકડીની મદદથી બહાર કાઢી સારવાર માટે મોકલાયા હતા.કોર્પોરેશનની બેદરકારીથી આ મોત થયુ હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.
નિકોલમાં આવેલી મધુમાલતી આવાસ યોજનામાં ગુરુવારે મધરાતે પડેલા ભારે વરસાદના કારણે લોકોના ઘરોમાં બેથી અઢી ફુટ તથા આવાસ યોજનાના પ્રાંગણમાં ત્રણથી સાડા ત્રણ ફુટ જેટલા પાણી ફરી વળ્યા હતા. આ દરમિયાન બ્લોક નંબર-૯માં રહેતા જીતુભાઈને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા એમબ્યુલન્સ બોલાવવામાં આવી હતી
પ્રાંગણમાં વરસાદી પાણી ભરાયેલા હોવાથી એમ્બ્યુલન્સ અંદર જઈ ના શકતા રહીશો સાયકલ રેકડીની મદદથી તેમને બહાર લાવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન તેમનુ મોત થતા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે લઈ જવાયા હતા.આ અગાઉ પડેલા વરસાદમાં ઘીંકાટા વિસ્તારમાં આવેલી દુધવાળી પોળ પાસે આવેલા વીજ થાંભલાનો કરંટ લાગતા એક યુવાનનુ મોત થયુ હતુ. છતાં સત્તાધીશો વહીવટી તંત્રમાં ફરજ બજાવતા અધિકારીઓની બેદરકારીને લઈ કોઈ જવાબ માંગતા નથી.કે નથી આ પ્રકારની ઘટનાને લઈ કોઈ શોક કે સંવેદના વ્યકત કરવા તેમની પાસે કોઈ બે શબ્દ.