
મંગળવારે બપોરે રાયપુર એરપોર્ટ પર દિલ્હીથી આવતી ઇન્ડિગો ફ્લાઇટ 6E 6312 નો મુખ્ય દરવાજો ટેકનિકલ ખામીને કારણે ન ખુલતા અફરાતફરી મચી ગઈ હતી. આ ફ્લાઇટ બપોરે 2:25 વાગ્યે વીર નારાયણ આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર ઉતરી. આ પ્લેનમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, ધારાસભ્ય ચતુરીનંદ અને રાયપુરના મેયર મીનલ ચૌબે સહિત અનેક મુસાફરો હતા.
પ્લેન લેન્ડિંગ પછી મુસાફરોને અડધો કલાક સુધી ફ્લાઈટની અંદર જ રાહ જોવી પડી. કારણ કે વિમાનનો મુખ્ય દરવાજો ખુલ્યો નહીં. દરવાજો ખોલવાના પ્રયાસો દરમિયાન કેબિન સ્ક્રીન પર દરવાજા સંબંધિત કોઈ સિગ્નલ ના મળ્યું. દરવાજો ન ખુલતા પરિસ્થિતિ ટેન્શનભરી બની હતી. મુસાફરોએ હોબાળો મચાવી દીધો હતો.
ટેકનિકલ ખામીને કારણે મુખ્ય દરવાજો ખુલી ના શક્યો
પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે મીડિયાને જણાવ્યું કે, દરવાજામાં ટેકનિકલ ખામી હતી. લગભગ અડધા કલાકની મહેનત પછી દરવાજો ખોલવામાં આવ્યો અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા.
ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સહિત ડઝનબંધ મુસાફરો ફ્લાઇટમાં ફસાયેલા હતા
એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ એક ટેકનિકલ સમસ્યા હતી જેને સમયસર ઠીક કરી લેવામાં આવી હતી. ઘટના પછી ફ્લાઇટની ટેકનિકલી તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાએ એરપોર્ટની તૈયારીઓ અને એરલાઇન કંપનીના ટેકનિકલ મોનિટરિંગ પર પણ પ્રશ્નો ઉભા કર્યા છે.