
હેર સ્ટાઈલિસ્ટ આલિમ હકીમ (Aalim Hakim) બોલિવૂડ સેલેબ્સ વચ્ચે ખૂબ જ પોપ્યુલર છે. તેણે અનેક ફિલ્મોમાં હેર સ્ટાઈલિસ્ટ તરીક કામ કર્યું છે. આ સાથે જ તે રણબીર કપૂરથી લઈને વિરાટ કોહલી અને એમ.એસ.ધોનીના હેર કટિંગ કરી ચૂક્યો છે. આલિમ હકીમ (Aalim Hakim) એ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, 'ફિલ્મ 'દસ' ના શૂટિંગ દરમિયાન અભિષેક બચ્ચન (Abhishek Bachchan) એ તેને પગમાં ગોળી મારી દીધી હતી અને ત્યારબાદ તેને ચાલવામાં મુશ્કેલી પડી હતી.
અભિષેક બચ્ચને હેરસ્ટાઈલિસ્ટ આલિમ હકીમને પગમાં ગોળી મારી દીધી હતી
ઇન્ટરવ્યુમાં આલિમ (Aalim Hakim) એ જણાવ્યું કે, "અભિષેકે મને કહ્યું હતું કે જો તેં કોઈ ગડબડ કરી તો હું તને ગોળી મારી દઈશ અને અંતે એક પ્રોપ ગનથી તેણે મને ગોળી પણ મારી દીધી હતી. કેનેડામાં હું 'દસ' ના સેટ પર બધાની હેરસ્ટાઈલ કરતો હતો. કોઈ કારણસર અનુભવ સિન્હાના તમામ આસિસ્ટન્ટ બીમાર પડી ગયા. તેણે મને રિપ્લેસમેન્ટ તરીકે રાખ્યો હતો. અભિષેક બચ્ચન એક આસિસ્ટન્ટ બની ગયો હતો અને હું તેનો આસિસ્ટન્ટ હતો. મેં 5 દિવસ કામ કર્યું હતું. હું હેરસ્ટાઈલ કરતો હતો અને સતત શૂટ થતા શોટ પર પણ ધ્યાન આપતો હતો."
તેણે આગળ કહ્યું, "અભિષેકે મને કહ્યું હતું કે, આલિમ જો તેં હેરસ્ટાઈલ કરતી વખતે કન્ટિન્યૂઇટી મિસ કરી તો હું તારા પગમાં ગોળી મારી દઈશ. અને એક દિવસ ખરેખર મારાથી ભૂલ થઈ ગઈ. તેની પાસે તે પ્રોપ ગન પણ હતી."
'હું 10 દિવસ દર્દમાં કણસતો રહ્યો'
આલિમ (Aalim Hakim) એ આગળ જણાવ્યું કે, "અભિષેકે મજાકમાં પ્રોપ ગનથી મારા પગમાં ગોળી મારી દીધી હતી, ત્યારબાદ મને ખૂબ જ દર્દ થયું અને હું 10 દિવસ સુધી દર્દમાં કણસતો રહ્યો. હું ચાલી પણ નહતો શકતો. જોકે, આજે પણ તેની સાથે મારે સારી મિત્રતા છે."