
અમદાવાદ શહેરના કાગડપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ફરિયાદ નોંધાઈ હતી જેમાં એટીએમ કાર્ડની ચોરી તેમજ એટીએમ કાર્ડ દ્વારા રુ. 25000ની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે ATMમાં એક વ્યક્તિ શંકાસ્પદ રીતે મળી આવ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરતા આરોપી પાસેથી 176 એટીએમ કાર્ડ મળી આવ્યા હતા.
આરોપી વાહનોના નંબર, જન્મદિવસ વગેરે રેન્ડમ નંબરનો ઉપયોગ કરતો
એટીએમમાં મદદ કરવાના બહાને નજર ચૂકવીને આરોપી ATM કાર્ડ ચોરી લેતો હતો. એટીએમમાં પીન કોબીનેશન નાખીને પૈસા ઉપાડતો. આરોપી વાહનોના નંબર, જન્મદિવસ વગેરે રેન્ડમ નંબરનો ઉપયોગ કરતો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, આરોપી બેંગ્લોરનો વતની છે અને સુરતમાં સ્થાયી થયો હતો. સુરતમાં સોનાની લે વેચમાં બે - ત્રણ કરોડનો નુકસાન થતા તે એટીએમ ચોરીના રવાડે ચડ્યો હતો.
આરોપી હોટલમાં રહેતો અને મોજશોખના કામ કરતો હતો
આરોપી પાસેથી કેટલીક રોકડ રકમ પણ મળી આવી હતી. આરોપી વિરુદ્ધ અમદાવાદમાં સાઇબર ક્રાઇમમાં ATM ફ્રોડનો ગુનો નોંધાયો હતો. આરોપીએ આઇટી સુધીનો અભ્યાસ કર્યો છે અને તે CDMA મોબાઈલ રીપેરીંગનું કામ કરતો હતો. સીડીએમએ મોબાઈલ બંધ થઈ જતા તે સોના ચાંદીનો ધંધો કરતો હતો. જો કે, તે ધંધામાં તેને નુકસાન આવી પડતાં તે ચોરીને રવાડે ચડ્યો હતો. આ સમગ્ર મામલે ATM કાર્ડ ચોરીનો ભેદ ઉકેલી કાગડાપીઠ પોલીસે અમિતકુમાર જૈનની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.