
Anand news: આણંદ જિલ્લામાં આવેલા તારાપુરના ગોરાડ ગામે આજથી 30 દિવસ અગાઉ જમાઈએ દાદી સાસુની કરપીણ હત્યા કરવાના કેસમાં પોલીસને આખરે સફળતા મળી છે. પોલીસે હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે હત્યારા જમાઈ અને પૌત્રીને ચંદીગઢના ડેરાબસીથી ઝડપી લીધા હતા. પોલીસની સઘન તપાસમાં દાદીની હત્યામાં જમાઈની સાથે પૌત્રીની પણ સંડોવણી ખુલતા પોલીસ એક્શનમાં આવી હતી. આખરે બંને આરોપી ઝડપાઈ જતા પોલીસે વધુ તપાસ માટે બંને આરોપીને રિમાન્ડ માટે કોર્ટમા રજૂ કર્યા હતા.
મળતી વિગતો અનુસાર, આણંદ જિલ્લામાં છેલ્લા એક મહિનાથી ચકચારી મચાવનારા અને પોલીસ તંત્ર માટે પડકાર બનેલા તારાપુરના ગોરાડ ગામે દાદી સાસુની હત્યા કેસને ઉકેલવા અને આ કેસના આરોપીને જેલ પાછળ ધકેલવા સફળતા મળી છે. તારાપુર તાલુકાના ગોરાડ ગામે આજથી 30 દિવસ અગાઉ એટલે કે, 15 એપ્રિલે પત્નીને પિયરમાં ન રોકાવા દેવા જેવા નજીવા મુદ્દે દાદી સાસુ સાથે રકઝક બાદ ધોળકા તાલુકાના ત્રાસદ ગામના જમાઈએ દાદી સાસુને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જે બાદ આરોપી જમાઈન ફરાર હતા. જો કે, આ કેસમાં પોલીસે હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે દાદી સાસુની હત્યા કરનાર આરોપી જમાઈ અને પૌત્રીને ઝડપી લીધા હતા. આ કેસમાં મહત્ત્વની બાબત એ પણ હતી કે, દાદીની હત્યામાં પૌત્રીની પણ સંડોવી ખુલી હતી. જેથી આ બંને આરોપી છેલ્લા 30 દિવસથી ફરાર હતા. તારાપુર પોલીસે બંને હત્યારાને ઝડપી લઈને વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરવાની તૈયારી શરૂ કરી હતી.