Home / Gujarat / Junagadh : Arvind Kejriwal campaigned for Gopal Italia in Visavadar

'ભાજપ ગોપાલ ઇટાલિયાને ખરીદી બતાવે, હું રાજકારણ છોડી દઇશ'-કેજરીવાલ

'ભાજપ ગોપાલ ઇટાલિયાને ખરીદી બતાવે, હું રાજકારણ છોડી દઇશ'-કેજરીવાલ

ગુજરાતમાં બે વિધાનસભા બેઠક કડી અને વિસાવદર બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત બાદ રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ફોર્મ ભર્યું હતું. આ દરમિયાન AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી, ગુજરાતના AAPના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી, AAPના નેતા ચૈતર વસાવા હાજર રહ્યાં હતા. આ દરમિયાન કેજરીવાલે ભાજપ-કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કેજરીવાલના ભાજપ-કોંગ્રેસ પર આરોપ

અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, "આ કોંગ્રેસ ગુજરાતના લોકો માટે કામ નથી કરતી ભાજપ માટે કામ કરે છે. કોંગ્રેસ ભાજપની નોકરી કરે છે અને તે ભાજપના ખોળામાં બેસી ગઇ છે. ગત વખતે 2022ની વિધાનસભા ચૂંટણીમાં જેટલા ધારાસભ્ય બન્યા તેમાંથી કોંગ્રેસના પાંચ ધારાસભ્ય ભાજપમાં જતા રહ્યાં. એક આમ આદમી પાર્ટીનો ધારાસભ્ય પણ ભાજપમાં જતો રહ્યો. ગત વર્ષે ચૂંટણી યોજાઇ જ્યાથી કોંગ્રેસના ઉમેદવાર ભાજપમાં ગયા હતા ત્યાથી કોંગ્રેસના કહેવા પર અમે અમારા ઉમેદવારો ઉભા ના કર્યા. વિસાવદરમાં  કોંગ્રેસને વચન યાદ અપાવ્યું કે તમે અહીં ઉમેદવાર ઉભા ના કરો. કોંગ્રેસ વિશ્વાસઘાતી છે, આ વખતે બન્ને પાર્ટી (ભાજપ-કોંગ્રેસ)ને મજા ચખાડવાની છે."

કેજરીવાલે વિસાવદર બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને લઇને કહ્યું કે, "ગોપાલ ઇટાલિયા ભ્રષ્ટાચારીઓ સામે લડે છે તે કોઇનાથી ડરતો નથી. ગોપાલ ઇટાલિયાના ચૂંટીને વિધાનસભામાં મોકલો તો તે વિસાવદર જ નહીં આખા ગુજરાતના ગરીબોનો અવાજ બનશે અને લોકોનો અવાજ ઉઠાવશે."

18 વર્ષથી વિસાવદરમાં ભાજપ જીત્યુ નથી- કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે, "18 વર્ષથી તમે લોકોએ ભાજપને વિસાવદરમાં ઘુસવા નથી દીધી. 18 વર્ષથી વિસાવદરમાં ભાજપ જીત્યું નથી. ગુજરાતમાં ભાજપની સરકાર છે પણ વિસાવદરમાં નથી. પહેલા તમે કોંગ્રેસને મત આપ્યા અને હવે આમ આદમી પાર્ટીને મત આપ્યા. ભાજપે વિસાવદર પર હુમલો કર્યો અને વિસાવદરના લોકોનું અપમાન કરવાનું શરૂ કર્યું. પહેલા તમે કોંગ્રેસના હર્ષદ રિબડિયાને જીતાડ્યા તો ભાજપે બદમાશી કરી તેમને તોડીને પોતાની પાર્ટીમાં સામેલ કરી દીધા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીને તમે જીતાડ્યા, ભાજપે તેમને પણ તોડી દીધા. ભાજપ કહે છે કે વિસાવદરવાળાઓ તમે કોઇને પણ જીતાડો અમે તેમને તોડીને પોતાની પાર્ટીમાં સામેલ કરાવીશું."

...તો કેજરીવાલ રાજનીતિ છોડી દેશે

ભાજપને ચેલેન્જ આપતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, "અમે આ વખતે સૌથી મોટો હીરો તમારા સામે મુક્યો છે ગોપાલ ઇટાલિયા. હું ચેલેન્જ કરૂ છું ભાજપને ગોપાલ ઇટાલિયાને તોડીને બતાવો, કેજરીવાલ રાજનીતિ છોડી દેશે.ગોપાલ ઇટાલિયાને એટલા ભારે મતથી જીતાડો, ભાજપને તમાચો પડવો જોઇએ."

Related News

Icon