Guru purnima: અષાઢ સુદ પૂનમ, ગુરુવાર, તા. 10 જુલાઇ 2025: બોચાસણમાં બિરાજતા ગુરુહરિ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ શ્રી મહંત સ્વામી મહારાજના પાવન સાનિધ્યમાં “ગુરુપૂર્ણિમા ઉત્સવ” દેશ – પરદેશના હજારો ભક્તો માટે “ગુરુવંદના” નો અમુલ્ય અવસર લઈને આવ્યો હતો. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આર્ધ્ય સ્થાપક બ્રહ્મ સ્વરૂપ શ્રી શાસ્ત્રીજી મહારાજ દ્વારા નિર્મિત આ મહા મંદિરમાં પ્રતિવર્ષે ઉજવાતો “ગુરુપૂર્ણિમા ઉત્સવ” આ વર્ષે “तस्मै श्री गुरुवे नमः” કેન્દ્રિય વિચાર અંતર્ગત આયોજીત હતો. બોચાસણ સ્થિત વાસદ – વટામણને જોડતા ધોરીમાર્ગ ઉપર “શ્રી સ્વામિનારાયણ બાગ”ના વિશાળ સભાગૃહમાં ભવ્યતાથી ઉજવાયેલ ઉત્સવનો લાભ લેવા માટે વહેલી સવારથી હરિભક્તો – ભાવિકોની વિશાળ મેદની ઉમટી હતી. આ પ્રસંગે ઉત્સવ સભાનો લાભ ઉપરાંત બોચાસણ મંદિરમાં ઠાકોરજીના દર્શન માટે પણ હરિભક્તોનો પ્રવાહ ઉમટ્યો હતો જે માટે પૂજ્ય સંતોના માર્ગદર્શન હેઠળ સ્વયંસેવકોએ ખૂબ સુંદર વ્યવસ્થા સંભાળી હતી.

