
પશ્ચિમ બંગાળના ભાંગર વિસ્તારમાં હિંસા થઈ છે. ISF (ઇન્ડિયન સેક્યુલર ફ્રન્ટ) ના સમર્થકોને કોલકાતા તરફ કૂચ કરતા અટકાવવામાં આવ્યા ત્યારે પરિસ્થિતિ તંગ બની ગઈ. પોલીસે રસ્તો રોકતા પ્રદર્શનકારીઓ હિંસક બન્યા, ત્યારબાદ પોલીસ અને સમર્થકો વચ્ચે અથડામણ થઈ. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે ભીડને વિખેરવા માટે બળપ્રયોગ કરવો પડ્યો. વીડિયોમાં, એક પોલીસ વાહન ક્ષતિગ્રસ્ત અને અનેક ટુ-વ્હીલર સળગતા જોવા મળે છે.
મળતી માહિતી મુજબ, વક્ફ સુધારા કાયદાનો વિરોધ કરવા માટે કોલકાતા આવી રહેલા ઇન્ડિયન સેક્યુલર ફ્રન્ટ (ISF) ના સમર્થકોથી ભરેલી બસોને રસ્તામાં જ રોકવામાં આવી હતી. વક્ફ કાયદા વિરુદ્ધ માલદા, મુર્શિદાબાદ સહિત પશ્ચિમ બંગાળના ઘણા જિલ્લાઓમાં વ્યાપક હિંસા જોવા મળી છે અને શાસક તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ એકબીજા પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવી રહ્યા છે.
તૃણમૂલ અને ભાજપ સિવાય રાજ્ય વિધાનસભામાં ISF એકમાત્ર પક્ષ છે જેનું પ્રતિનિધિત્વ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે ભાંગરથી કોલકાતાના રામલીલા મેદાન તરફ જતા ISF કાર્યકરોના વાહનોને અટકાવ્યા બાદ તેઓએ બસંતી એક્સપ્રેસવે બ્લોક કરી દીધો હતો.