
Bharuch News: ગુજરાતભરમાંથી સતત ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં ભરુચમાં એક મકાનમાં મોટી ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ભરુચ જિલ્લાના વાગરા તાલુકામાં સારણ ગામે દરગાહવાળા રોડ પરના એક મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. અને ઘરમાંથી સોનાના દાગીના તેમજ રોકડ મળી અંદાજીત રૂ.45 લાખના મુદ્દામાલનો હાથફેરો કરી જતા ચકચાર મચી જવા પામી છે.
વાગરા તાલુકાના સારણ ગામે ઝુલ્ફીકાર રાજ પરિવાર સાથે રહે છે. તેઓ બહારથી આવી પરિવાર સાથે સુઈ ગયા હતા. ત્યાર બાદ સાડા ચાર વાગ્યે નાની છોકરીને દૂધ આપવા માટે ઉઠ્યા હતા. ત્યારે ઘરમાં રહેલો તિજોરીનો સામાન વેર વિખેર પડેલો જોઈ તેઓ ચોંકી ઉઠ્યા હતા. ત્યાર બાદ તેઓએ ઉપરના માળે જોઈ તપાસ કરતા ઘરનો સામાન જ્યાં ત્યાં પડેલો નજરે પડ્યો હતો. તિજોરીમાં રહેલ બેગમાં તપાસ કરતા બેગમાં રહેલા અંદાજિત 30થી 35 તોલા સોનાના દાગીના તેમજ રોકડા રૂપિયા દસ લાખ રોકડ ગાયબ જણાયું હતું. જેથી ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ પોલીસને જાણ કરતા વાગરા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.