Home / India : Will Chirag Paswan contest Bihar assembly election? statement regarding the CM post

ચિરાગ પાસવાન બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવશે? CM પદ અંગે પણ આપ્યું મોટું નિવેદન

ચિરાગ પાસવાન બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવશે? CM પદ અંગે પણ આપ્યું મોટું નિવેદન

લોક જનશક્તિ પાર્ટી(રામ વિલાસ)ના ચીફ અને સાંસદ ચિરાગ પાસવાન આગામી બિહાર વિધાનસભા ચૂંટણીમાં મેદાને આવે તેવી શક્યતા છે. તેમણે પોતે જાહેરાત કરી છે કે તેઓ દિલ્હીની જગ્યાએ બિહારના રાજકારણમાં આવવા માંગે છે. તેમના આ નિવેદન બાદ રાજ્યમાં અટકળોનો દોર શરુ થયો છે કે તેઓ કઈ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડશે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

શું કહ્યું ચિરાગ પાસવાને? 

કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને કહ્યું છે કે તેઓ પોતાનું ભવિષ્ય રાષ્ટ્રીય નહીં સ્થાનિક રાજકારણમાં જ જુએ છે. તેમણે છત્તીસગઢમાં મીડિયા સાથે વાતચીતમાં કહ્યું છે, કે 'મેં અગાઉ પણ કહ્યું છે કે હું ખુદને કેન્દ્રીય રાજકારણમાં નથી જોતો. મારું રાજકારણમાં આવવાનું કારણ જ બિહાર અને બિહારી છે. મારું પોતાનું વિઝન છે કે બિહાર ફર્સ્ટ, બિહારી ફર્સ્ટ. હું ઇચ્છું છું કે મારું રાજ્ય બિહાર પણ દેશના વિકસિત રાજ્યોની શ્રેણીમાં ઊભું રહે. ત્રીજી વખત સાંસદ બન્યા બાદ હવે લાગે છે કે આ બધું દિલ્હીમાં રહીને સંભવ નથી.' 

ભાજપ પણ આવું કરે જ છે: ચિરાગ પાસવાન 

ચિરાગ પાસવાને વધુમાં કહ્યું છે, 'ભારતીય જનતા પાર્ટીએ ઘણીવાર આવા પ્રયોગ કર્યા છે. ભાજપે ઘણી વખત સાંસદોને વિધાનસભા ચૂંટણી લડવા માટે ઉતાર્યા, જેનો તેમને ફાયદો જ થયો. જો મારા ચૂંટણી લડવાથી NDAને ફાયદો થતો હોય તો હું જરૂર લડીશ. લોકસભામાં અમારો સ્ટ્રાઇક રેટ 100 ટકા રહ્યો છે.' 

ભાજપ પર દબાણ બનાવવા પ્રયાસ? 

જોકે ચિરાગ પાસવાનના આ નિવેદન બાદ બિહારના રાજકીય પંડિતોનું માનવું છે કે આવા દાવાથી ચિરાગ પાસવાન વધુને વધુ બેઠકો માટે ભાજપ પર દબાણ બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. અગાઉ જોવા મળ્યું છે કે ચિરાગ પાસવાન અને JDU નેતા નીતિશ કુમાર એકબીજાને પસંદ નહોતા કરતાં. જોકે આ ચૂંટણીમાં NDA આ બંને નેતાઓ વચ્ચે કઈ રીતે તાલમેલ બેસાડે છે એ પણ જોવાનું રહેશે.  

નીતિશ કુમારને ખુલ્લું સમર્થન આપ્યું

ચિરાગ પાસવાનના પક્ષના કાર્યકર્તાઓ તેમને ભવિષ્યમાં મુખ્યમંત્રી તરીકે જુએ છે. જોકે ચિરાગ આ તમામ અટકળો પર વિરામ લગાવતાં કહ્યું છે, કે મુખ્યમંત્રી પદ માટે બિહારમાં કોઈ વેકેનસી નથી. વર્તમાન મુખ્યમંત્રી નીતિશ કુમાર જ ચૂંટણી પછી ફરીથી મુખ્યમંત્રી બનશે.' 

 

Related News

Icon